![]()
અમદાવાદ,શનિવાર
ઠક્કરનગરમાં રહેતા વકીલે તેના મિત્રનો મૈત્રીકરાર કરાવી આપ્યો હતો. જેને લઇને મહિલાના પતિએ પોતાના સાગરીતો સાથે મળીને વકીલના ઘરે જઇને ગાળો બોલીને બન્ને ક્યાં છે તેમ પૂછીનેમ માર માર્યો હતો. ત્યારબાદ કારમાં અપહરણ કરીને ઓફિસમાં લઇ જઇને લાકડીથી માર મારીને ધમકી આપી હતી. ચારેય શખ્સોએ વકીલના મિત્રની સાવરકુંડલામાં હત્યા કરી હતી. આ બનાવ અંગે કૃષ્ણનગર પોલીસે ચાર લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છેે.
ફરિયાદ કરીશ તો ભાઇ અને પિતાને ઉપાડી જઇ મારી નાંખવાની ધમકી આપી વકીલના મિત્રની સાવરકુંડલામાં હત્યા કરી ઃ કૃષ્ણનગર પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી
કુંડલાના વતની અને ઠક્કરનગરમાં રહેતા અને ઘી કાંટા કોર્ટમાં વકીલાતની પ્રેક્ટિસ કરતા યુવકે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ભાવનગર મહુવાના યુવક સહિત ચાર લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે તા.૧૭-૦૪-૨૦૨૬ના રોજ તેમના ગામના યુવક મિત્રનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે સુરતની મહિલા સાથે મારે પ્રેમસંબંધ હોવાથી મૈત્રીકરાર કરીને સાથે રહેવું છે તો તમે મૈત્રીકરાર કરી આપશો. જેથી ફરિયાદીએ બીજા દિવસે જૂની હાઇકોર્ટ ખાતે મિત્ર સાથે રહીને યુવક અને મહિલાનો મૈત્રીકરાર કરાવ્યો હતો ત્યારબાદ પ્રેમી અને પ્રેમિકા ત્યાંથી જતા રહ્યા હતા. જ્યારે તા.૨૮-૦૪-૨૦૨૬ના રોજ યુવક અને મહિલાએ ફરિયાદીને જૂની હાઇકોર્ટ બોલાવ્યા હતા. જ્યાં બન્નેએ અમારા વિરુધ્ધ વિડીયો વાઇરલ થયો છે જેથી જાનનું જોખમ છે તો શું કરવું જોઇએ. કરહેતા ફરિયાદીએ એફિડેવિટ કરાવીને કામરેજ અને સાવરકુંડલા પોલીસ સ્ટેશન ખાતે પોસ્ટ મારફતે અરજી કરાવી હતી.
ત્યારબાદ યુવક અને મહિલા ગીતામંદિર બસ સ્ટેન્ડ જવાનું કહીને ગયા હતા. બાદમાં સાંજના સમયે મહિલાના પતિ સહિત ચાર લોકો શખ્સ ફરિયાદીના ઘરે આવ્યા હતા અને યુવક તથા મહિલા ક્યાં છે તેનો મૈત્રીકરાર તમે બનાવ્યો છે કહીને ગાળો બોલીને માર મારીને ફરિયાદી વકીલનું કારમાં અપહરણ કરીને એક ઓફિસમાં લઇ જઇને લાકડીથી માર માર્યો હતો. તેમજ ગીતામંદિર અને આસપાસની હોટલોમાં ચેકિંગ કર્યું હતું. ફરિયાદી ત્યાંથી નજર ચૂકવીને ભાગી છૂટયો હતો ત્યારબાદ તપાસ કરતા મૈત્રી કરાર કરનારા યુવકની આરોપીઓઓએ હત્યા કરી હતી. જેનો ગુનો સાવરકુંડલા ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં નોધાયો છે.










