![]()
સૌરાષ્ટ્રના સાગરકાંઠાથી વાવાઝોડુ દૂર જતું હોવાથી હાલ રાજ્ય પર ખતરો ઓછો : મૌસમનું પ્રથમ વાવાઝોડુ ‘શક્તિ’ દ્વારકાથી 260 કિ.મી.ના અંતરે : દ્વારકા, પોરબંદર દરિયામાં 11 ફૂટ ઉંચા મોજા ઉછળશે : બંદરોએ ભયસૂચક સિગ્નલો
રાજકોટ, : સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં તા. 24 સપ્ટેમ્બરે ચોમાસાએ વિદાય લીધા બાદ આ ચોમાસાનું પ્રથમ વાવાઝોડુ સૌરાષ્ટ્રના કાંઠા નજીક ઉત્તર-પૂર્વ અરબી સમુદ્રમાં સર્જાયું છે. આ વાવાઝોડુ તેના પ્રારંભિક રૂપ લોપ્રશર તરીકે નવરાત્રિમાં ગત પાંચેક દિવસથી ગુજરાતને ધમરોળતું રહ્યું છે અને અનેક સ્થળે ધોધમાર વરસાદ વરસાવ્યો છે અને તેના કારણે ભરૂચથી આગળ ચોમાસાની વિદાય થતી અટકી ગઈ છે.
દરિયામાં ડીપ ડીપ્રેસનમાંથી તે વાવાઝોડા (સાયક્લોનિક સ્ટોર્મ)માં ફેરવાતા તેનું નામકરણ કરાયું છે અને આજે દ્વારકાથી પશ્ચિમ-દક્ષિણ દિશાએ 260 કિ.મીના અંતરે, નલિયાથી 280 કિ.મી. અને પોરબંદરથી પશ્ચિમે 320 કિ.મી.ના અને કરાંચીથી 350 કિ.મી.ના અંતરે દરિયામાં છે અને આજે સવારથી બપોર દરમિયાન તે કલાકના 6 કિ.મી.ની ઝડપે આગળ વધી રહ્યું છે.
વાવાઝોડાની ચક્રાકાર ગતિ આજે રાત્રિના 85થી 95 અને વધીને 105 કિ.મી. છે તે આવતીકાલે સવારથી મોડી રાત્રિ સુધી વધીને 100થી 110 કિ.મી.(વધીને 125 કિ.મી.) સુધી પહોંચશે અને તે ‘સિવિયર સાયક્લોનિક સ્ટોર્મ ‘માં ફેરવાશે તેમ મૌસમ વિભાગનું પૂર્વાનુમાન છે.
આ વાવાઝોડાથી વાડીનારથી હર્ષદ વચ્ચેના યાત્રધામ દ્વારકાના દરિયામાં અને ટુકડામિયાણીથી માધવપુરના પોરબંદરના દરિયામાં 3થી 3.50મીટર (10થી 11.50 ફૂટ) ઉંચા મોજા ઉછળવાની આવતીકાલ તા. 4ની રાત્રિના 11-30 સુધી ચેતવણી જારી કરાઈ છે. સૌરાષ્ટ્રના સાગરકાંઠા ઉપર 75 કિમી અને દક્ષિણ ગુજરાતના કાંઠે 65 કિ.મી. સુધીની ઝડપે વિનાશક પવન ફૂંકાશે જેના પગલે રાજ્યના તમામ બંદરો ઉપર ભયસૂચક એલસીએસ સિગ્નલ-3 લગાડવામાં આવ્યા છે અને માછીમારોને દરિયો નહીં ખેડવા સલાહ અપાઈ છે.
આ વાવાઝોડુ આવતીકાલે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ અને ત્યારબાદ તા.૫ના પશ્ચિમ-દક્ષિણ-પશ્ચિમ દિશા તરફ આગળ વધવાની શક્યતા હોય તે મધ્ય અરબી સમુદ્રમાં એટલે કે સૌરાષ્ટ્રના કાંઠાથી દૂર જવાની શક્યતા છે. મધદરિયે પહોંચીને તે તા.૬ આસપાસ ટર્ન લઈ શકે છે. જેના પગલે હાલ ગુજરાત પર ખતરો જણાતો નથી પરંતુ, વાવાઝોડા પર સતત વોચ રખાઈ રહી છે.
દેશની પૂર્વ-પશ્ચિમ બન્ને દિશાએ વાવાઝોડાની સ્થિતિ
રાજકોટ,: દેશની પશ્ચિમે સૌરાષ્ટ્રના કાંઠા નજીક ડીપ્રેસન વાવાઝોડામાં ફેરવાયું છે ત્યારે પૂર્વમાં ઓડીશા ઉપરનું ડીપ્રેસન (જે વાવાઝોડાને જન્મ આપી શકે તેવું શરૂઆતનું રૂપ છે) આજે આ જ સમયે જારી રહ્યું છે જે છત્તીસગઢના બિલાસપુરથી હાલ ૧૪૦ કિ.મી.ના અંતરે છે. જો કે હાલ તેની દિશા ઉત્તર તરફની ઓડીશા રાજ્ય ઉપરની છે.
આ બે સીસ્ટમ ઉપરાંત,ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, અરૂણાચલ પ્રદેશ ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન તેમજ ઉત્તર-પશ્ચિમ ભારત પર તા. 4ના વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ત્રાટકતું હોય ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી છે. આમ, દેશમાં એકંદરે હવામાન વિષમ રહેશે.










