![]()
મુંબઈ : ગયા સપ્તાહમાં ૧,૨૪,૦૦૦ ડોલરથી વધુની ઓલ ટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યા બાદ ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ આવતા અને પોઝિટિવ પરિબળોના અભાવે બિટકોઈનમાં પીછેહઠ જોવા મળી રહી છે અને બુધવારે ૧૧૩૦૦૦ ડોલરની સપાટી તોડી હતી.
છેલ્લા ચોવીસ કલાકમાં બિટકોઈન નીચામાં ૧૧૨૬૯૮ ડોલર અને ઉપરમાં ૧૧૫૮૦૪ ડોલર થઈ મોડી સાંજે ૧૧૩૯૧૩ ડોલર કવોટ થતો હતો.
અમેરિકામાં ફુગાવાની ચિંતા તથા આર્થિક નીતિઓમાં અનિશ્ચિતતાને કારણે રોકાણકારોનું માનસ ખરડાયું છે. માર્કેટ કેપની દ્રષ્ટિએ બીજા નંબરની મોટી ક્રિપ્ટો એથરમ ૪૧૦૦ ડોલરની નજીક ટકી રહ્યો હતો.
બિટકોઈનમાં પીછેહઠને પરિણામે ક્રિપ્ટોકરન્સીસની એકંદર માર્કેટ કેપ પણ ઘટી ૩.૮૨ ટ્રિલિયન ડોલર પર આવી ગઈ હતી. ગયા સપ્તાહમાં બિટકોઈને ૧૨૪૫૦૦ ડોલરની નજીક નવી ટોચ બતાવી હતી.
ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલ જેકસન હોલ ખાતે કેવું નિવેદન આપે છે તેના પર બજારની નજર રહેલી છે.
વિવિધ દેશોના માલસામાન પર લાગુ કરાયેલા ટેરિફને કારણે અમેરિકામાં આર્થિક વિકાસ પર અસર પડવાની ચિંતા ઊભી થઈ છે. ટેરિફ ઉપરાંત ફુગાવાની ચિંતા, વર્લ્ડ લિબર્ટી ફાઈનાન્સિઅલના ભાગીદારની નિયમનકારી સંસ્થા એસઈસી દ્વારા તપાસ જેવા કારણોસર બિટકોઈનમાં ઘટાડા તરફી દબાણ જોવા મળી રહ્યું છે.
અમેરિકામાં ફુગાવાના સતત ઊંચા ડેટાને કારણે જેરોમ પોવેલ વ્યાજ દરમાં ઘટાડાના રૂપમાં બજારની અપેક્ષા સંતોષી શકશે નહીં તેવી ધારણાં જોર પકડી રહી છે.
લિક્વિડિટીની ખેંચની ચિંતાથી પણ ક્રિપ્ટોકરન્સીસ જેવી જોખમી એસેટસમાં રોકાણકારોનું માનસ ખરડાયું છે. અમેરિકાના ટ્રેઝરી જનરલ એકાઉન્ટમાંથી લિક્વિડિટી ખેંચાઈ જવાની શકયતા જોવાઈ રહી છે.
ટ્રેઝરી જનરલ એકાઉન્ટ એ ફેડરલ રિઝર્વ ખાતે જળવાતું અમેરિકાની સરકારનું કાર્યકારી એકાઉન્ટ છે જેમાં વસૂલાયેલા ટેકસ, કસ્ટમ્સ ડયૂટીસ, સિક્યુરિટીના વેચાણ મારફત આવતી રકમ જમા થાય છે અને તેમાંથી સરકારના પેમેન્ટસ કરવામાં આવે છે. બિટકોઈનની પાછળ એકસઆરપી, સોલાના સહિતની ક્રિપ્ટોસ પણ નબળી પડી હતી.









