![]()
મુંબઈ : વર્તમાન વર્ષમાં ગોલ્ડમાં જોવા મળેલો સુધારો આગામી ૨૦૨૬ના વર્ષમાં પણ જળવાઈ રહેવાની વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ(ડબ્લ્યુજીસી) દ્વારા ધારણાં મૂકવામાં આવી છે. વર્તમાન વર્ષમાં સોનામાં અત્યારસુધી ૫૩ ટકાથી વધુનો વધારો થયો છે જ્યારે આગામી વર્ષમાં ભાવમાં ૧૫થી ૩૦ ટકા વૃદ્ધિ જોવા મળવાનો અંદાજ મુકાયો છે.
અમેરિકાના ટેરિફ અને ભૌગોલિકરાજકીય ચિંતાઓ વચ્ચે રોકાણકારો સલામત રોકાણ તરફ ધ્યાન આપી રહ્યા છે. વૈશ્વિક કેન્દ્રીય બેન્કો દ્વારા સોનાની ખરીદી અને વ્યાજ દરમાં ઘટાડાને કારણે પણ કેલેન્ડર વર્ષ ૨૦૨૫માં સોનાના ભાવ ઊંચકાયા છે.
ઈન્વેસ્ટમેન્ટ માગ ખાસ કરીને ગોલ્ડ એકસચેન્જ ટ્રેડેડ ફન્ડસ (ઈટીએફસ) મારફત ઈન્વેસ્ટમેન્ટ સોનાના ભાવમા ંવધારા માટેના મુખ્ય પરિબળ બની રહેશે અને ટેકનોલોજી તથા જ્વેલરી જેવા ક્ષેત્રોમાં નબળાઈને ભરપાઈ કરી શકાશે.
વર્તમાન વર્ષમાં વૈશ્વિક ગોલ્ડ ઈટીએફસમાં ૭૭ અબજ ડોલરનો ઈન્ફલોસ આવ્યો છે અને તેમના ગોલ્ડ હોલ્ડિંગમાં ૭૦૦ ટનનો ઉમેરો થયો છે.
નેગેટિવ બાજુએ સોનાના ભાવ ૨૦૨૬માં પાંચથી વીસ ટકા ઘટી શકવાની પણ કાઉન્સિલના રિપોર્ટમાં શકયતા વ્યકત કરવામાં આવી છે. આ માટે જો કે ટ્રમ્પની પોલિસી સફળ રહે તે જરૂરી છે. જેથી અમેરિકામાં આર્થિક વિકાસ અપેક્ષા કરતા મજબૂત રહેશે.
અમેરિકામાં જો ફુગાવો વધશે તો ૨૦૨૬માં ફેડરલ રિઝર્વ વ્યાજ દર જાળવી રાખશે અથવા તો તેમાં વધારો કરશે એવા પણ કાઉન્સિલના રિપોર્ટમાં સંકેત અપાયા છે. આવી સ્થિતિમાં ડોલર મજબૂત બની શકે છે અને વ્યાજ ઉપજ પણ વધશે.
અમેરિકામાં અર્થતંત્રમાં સુધારાના કિસ્સામાં હેજિંગ તરીકે ગોલ્ડની ખરીદી અટકી શકે છે જેના કારણે સોનાના ભાવ પર ઘટાડા તરફી દબાણ આવી શકે છે.
સોનાના ભાવમાં કોઈપણ કરેકશનથી ગોલ્ડ ઈટીએફસમાંથી આઉટફલોસ શરૂ થઈ શકે છે.










