મુંબઈ : રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ની મોનીટરી પોલિસી કમિટી (એમપીસી)ની આવતીકાલ-૪, જૂનના બુધવારથી શરૂ થઈ રહેલી ત્રણ દિવસીય ધિરાણ નીતિ સમીક્ષા મીટિંગમાં આ વખતે રેપો રેટમાં વધુ ૦.૨૫ ટકાનો ઘટાડો થવાની શકયતા મૂકાઈ રહી છે. બહુમતી બેંકરો નાણા વર્ષ ૨૦૨૬ની આર્થિક વૃદ્વિના અંદાજમાં કોઈ ફેરફાર નહીં થવાની સાથે રેપો રેટમાં ૦.૨૫ ટકાનો ઘટાડો થવાનો અંદાજ મૂકી રહ્યા છે.
જો આરબીઆઈ દ્વારા આ વખતે ૦.૨૫ ટકાનો વધુ ઘટાડો થશે તો રેપો રેટનો દર ઘટીને ૫.૭૫ ટકા થશે. એક સર્વેક્ષણમાં ૧૦ બેંકરો, અગ્રણી બ્રોકિંગ-ફાઈનાન્શિયલ કંપનીઓના લેવાયેલા મતોમાંથી ૯ બેંકરો-કંપનીઓએ રેપો રેટમાં ૦.૨૫ ટકાના ઘટાડાની શકયતા બતાવી છે. આ દરમિયાન તમામ બેંકરો-નાણા સંસ્થાઓએ ફુગાવા-મોંઘવારીના આંકના અંદાજમાં આ વખતે એમપીસી મીટિંગમાં ઘટાડાનું અનુમાન બતાવાય એવી શકયતા દર્શાવી છે.
ચાલુ વર્ષે ચોમાસું સામાન્ય કરતાં સારૂ રહેવાના અનુમાનને લઈ કૃષિ અને ગ્રામીણ અર્થતંત્ર પર પોઝિટીવ અસરના અંદાજને લઈ આરબીઆઈ એમપીસીનું ફોક્સ આર્થિક વૃદ્વિ પર રહેવાની બજારનો અમુક વર્ગ શકયતા બતાવી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, એમપીસી દ્વારા એપ્રિલમાં રેપો રેટમાં ૦.૨૫ ટકાનો ઘટાડો કરાયો હતો. આ અગાઉ ફેબુ્રઆરીમાં પણ આટલો જ ઘટાડો કરાયો હતો. આ પૂર્વે એમપીસી દ્વારા સતત ૧૧ મીટિંગમાં રેપો રેટ યથાવત રાખવામાં આવ્યા હતા. ભારતનો આર્થિક વિકાસ-જીડીપી વૃદ્વિ દર નાણા વર્ષ ૨૦૨૪-૨૫ના ચોથા ત્રિમાસિક જાન્યુઆરી થી માર્ચ ૨૦૨૫માં વધીને ૭.૪ ટકાના સ્તરે અને સંપૂર્ણ નાણા વર્ષનો વૃદ્વિ દર ઘટીને ચાર વર્ષના તળીયે ૬.૫ ટકા જાહેર થયો હોઈ આર્થિક વિકાસ પર આરબીઆઈ, સરકારનું ફોક્સ વધવાની શકયતા બતાવાઈ રહી છે. જેને લઈને પણ રેપો રેટમાં વધુ ઘટાડો થવાનો અંદાજ મૂકાઈ રહ્યો છે.
પ્રમુખ બેંકો, સંસ્થાઓ પૈકી રેપો રેટમાં આ વખતે ઘટાડાની શકયતા બતાવનારા પૈકી એસબીઆઈ દ્વારા ૫૦ બેઝિઝ પોઈન્ટ, બેંક ઓફ અમેરિકા, આઈસીઆઈસીઆઈ બેંક, બેંક ઓફ બરોડા, બાર્કલેઝ, ઈકરા, ક્રિસિલ, કરૂર વૈશ્ય બેંક, આઈડીએફસી ફર્સ્ટ બેંક, એમકે ગ્લોબલ ફાઈનાન્શિયલે ૨૫ બેઝિઝ પોઈન્ટ એટલે કે ૦.૨૫ ટકાના ઘટાડાની શકયતા બતાવી છે.
આ અંદાજની સાથે બેંકરો, નાણા સંસ્થાઓએ નાણા વર્ષ ૨૦૨૬ માટે આરબીઆઈ દ્વારા આ વખતે ફુગાવાનો અંદાજમાં ૨૦ થી ૪૦ બેઝિઝ પોઈન્ટ ઘટાડાનો અંદાજ બતાવવમાં આવે એવી શકયતા મૂકી છે.