Bihar Assembly Election History : શું બિહારમાં કોંગ્રેસની કહાની ખતમ થઈ જશે? શું બિહારના મતદારો આ વર્ષની ચૂંટણીમાં પણ કોંગ્રેસને જાકારો આપશે? આ ચર્ચાઓ શરૂ થવાનું મુખ્ય કારણ એ છે કે, રાજ્યની દર વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનો ગ્રાફ ઘટી રહ્યો છે. કોંગ્રેસ વર્ષ 2025ના અંતમાં યોજાનારી રાજ્યની વિધાનસભા ચૂંટણી માટે પણ તનતોડ મહેનત કરી રહી છે. રાજ્યની 10 વિધાનસભા ચૂંટણીનો ઈતિહાસની વાત કરીએ તો કોંગ્રેસે ઘણી વખત એકલા હાથે ચૂંટણી લડી છે, તો કેટલીક વખત ગઠબંધન કરીને ચૂંટણી લડી છે, જોકે તેમ છતાં બેઠકો જીતવાનો પાર્ટીનો ગ્રાફ ગગડી રહ્યો છે.
રાજ્યની છેલ્લી સાત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ બેકફૂટ પર
બિહાર વિધાનસભા ચૂંટણીના છેલ્લા ચાર દાયકાના પરિણામ, સંગઠનની નબળાઈ, નેતૃત્વનો પડકાર અને ગઠબંધનમાં ઘટતી સ્થિતિ… આ તમામ બાબતોએ કોંગ્રેસને બિહારમાં હાંસિયામાં ધકેલી દીધી છે. રાજ્યમાં 1952થી વિધાનસભા ચૂંટણીની શરૂઆત થયા બાદ વર્ષ 2020 સુધીમાં 17 વિધાનસભા ચૂંટણી યોજાઈ ગઈ છે. એક સમયે બિહારના રાજકારણમાં કોંગ્રેસ મહત્ત્વની ભૂમિકામાં હતી, જોકે વર્તમાન સમયમાં પાર્ટીની સ્થિતિ બેકફૂટ પર આવી ગઈ છે. 1985માં સત્તા પર રહેલી કોંગ્રેસની સ્થિતિ હવે સતત ગગડતી જોવા મળી રહી છે. બિહારમાં અત્યાર સુધીમાં 17 વિધાનસભા ચૂંટણીઓ યોજાઈ છે. વર્તમાનમાં રાજ્યમાં કુલ 243 વિધાનસભા બેઠકો છે, જોકે તેમ છતાં વર્ષ 1990થી કોંગ્રેસ કુલ બેઠકોમાંથી 100 બેઠકો સુધી પહોંચવામાં સફળ થઈ નથી. છેલ્લી 10 વિધાનસભા ચૂંટણીનો ઈતિહાસ જોઈએ તો છેલ્લી સાત ચૂંટણીમાં કોંગ્રેસનો ગ્રાફ સતત ગગડતો જોવા મળી રહ્યો છે.
1… બિહાર વિધાનસભા ચૂંટણી 2020માં (કુલ 243 બેઠકો) કોંગ્રેસ અને રાષ્ટ્રીય જનતા દળ (RJD)એ ગઠબંધન કરીની ચૂંટણી લડી હતી, જેમાં કોંગ્રેસે (Congress) 70માંથી 19 અને આરજેડીએ 75 બેઠકો જીતી હતી. જ્યારે ભાજપે 74 અને જનતાદળ યુનાઈટેડ (JDU)એ 43 બેઠકો જીતી હતી. ચૂંટણી બાદ જેડીયુએ BJP સાથે હાથ મિલાવી સરકાર બનાવી અને નીતીશ કુમાર મુખ્યમંત્રી (CM Nitish Kumar) બન્યા.
2… બિહાર વિધાનસભા ચૂંટણી 2015માં (કુલ 243 બેઠકો) 101 બેઠક પર ચૂંટણી લડનાર આરજેડીએ 80, 101 બેઠક પર ઉમેદવાર ઉતારનાર જેડીયુએ 71, 157 બેઠકો પર ચૂંટણી લડરનાર ભાજપે 53 અને 41 બેઠકો પર ઉમેદવાર ઉતારનાર કોંગ્રેસે માત્ર 27 બેઠકો જીતી હતી. ચૂંટણી બાદ મહાગઠબંધનની સરકાર બની અને નીતીશને સીએમ બનાવાયા હતા.
3… બિહાર વિધાનસભા ચૂંટણી 2010માં(કુલ 243 બેઠકો) ગઠબંધન જેડીયુ-ભાજપે અનુક્રમે 141-115 બેઠકો પર ચૂંટણી લડી 102 અને 91 બેઠકો જીતી હતી. જ્યારે 168 પર ઉમેદવારો ઉતારનારી આરજેડીએ માત્ર 22 અને રાજ્યની તમામ 243 બેઠક ચૂંટણી લડનાર કોંગ્રેસ માત્ર ચાર બેઠક જીતી શકી હતી.
4… બિહાર વિધાનસભા ચૂંટણી ફેબ્રુઆરી-2005માં (કુલ 243 બેઠકો) આરજેડીએ 215માંથી 75, જેડીયુએ 138માંથી 55, ભાજપે 103માંથી 37, કોંગ્રેસે 84માંથી 10 બેઠકો જીતી હતી. આમાંથી એકપણ પક્ષ બહુમતીનો 122નો આંકડો પાર શકી ન હતી. ત્યારબાદ ઓક્ટોબરમાં ફરી ચૂંટણી યોજાઈ હતી. ઓક્ટોબરની ચૂંટણીમાં જેડીયુએ 139માંથી 88, ભાજપે 102માંથી 55, આરજેડીએ 175માંથી 54, કોંગ્રેસે 51માંથી 9 બેઠકો જીતી હતી. ત્યારબાદ જેડીયુના નીતીશ કુમારે ભાજપ સાથે હાથ મિલાવી સરકાર બનાવી હતી.
5… બિહાર વિધાનસભા ચૂંટણી ફેબ્રુઆરી-2000માં કુલ 324 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી, તે વખતે ઝારખંડ બિહારનો ભાગ હતો, તેથી બહુમતીનો આંકડો 162 હતો. આ ચૂંટણીમાં આરજેડીએ 293 બેઠકોમાંથી 24, ભાજપે 168માંથી 67, સમતા પાર્ટીએ 120માંથી 34, કોંગ્રેસે 324માંથી 23 બેઠકો જીતી હતી. ત્યારબાદ લાલુ પ્રસાદ યાદવના પત્ની રાબડી દેવીને મુખ્યમંત્રી બનાવાયા હતા.
6… બિહાર વિધાનસભા ચૂંટણી ફેબ્રુઆરી-1995માં (કુલ 324 બેઠકો) કોંગ્રેસે 320 બેઠકો પર ઉમેદવારો ઉતાર્યા હતા અને પરિણામ વખતે માત્ર 29 બેઠકો જ જીતી શકી હતી.
7… બિહાર વિધાનસભા ચૂંટણી ફેબ્રુઆરી-1990માં (કુલ 324 બેઠકો) કોંગ્રેસ રાજ્યની 323 બેઠકો પર ઉમેદવારો ઉતાર્યા છતાં માત્ર 71 બેઠકો જ જીતી શકી હતી.
8… બિહાર વિધાનસભા ચૂંટણી ફેબ્રુઆરી-1985માં (કુલ 324 બેઠકો) કોંગ્રેસ મોટી પાર્ટી બનીને ઉભરી આવી હતી. પાર્ટીએ 323 બેઠકો પર ઉમેદવારો ઉતાર્યા હતા અને તેમાંથી 196 બેઠકો જીતીને રાજ્યની સત્તા હાંસલ કરી હતી.
9… બિહાર વિધાનસભા ચૂંટણી ફેબ્રુઆરી-1980માં (કુલ 324 બેઠકો) ઈન્દિરા ગાંધીની આગેવાનીમાં કોંગ્રેસે 311 બેઠકો પર ઉમેદવારો ઉતારીને 169 બેઠકો જીતવામાં સફળ થઈ હતી. જ્યારે કોંગ્રેસ યૂને 185માંથી 14 બેઠકો મળી હતી.
10… બિહાર વિધાનસભા ચૂંટણી ફેબ્રુઆરી-1977માં (કુલ 324 બેઠકો) કોંગ્રેસે 286 બેઠકોમાંથી માત્ર 57 બેઠકો જીતી હતી.
બિહારમાં કોંગ્રેસનો ગ્રાફ કેમ ગગડી રહ્યો છે?
બિહારમાં કોંગ્રેસનું સંગઠનાત્મક માળખું નબળું દેખાઈ છે, જેના કારણે પાયાના સ્તરે પાર્ટીની પકડ નબળી પડતી જોવા મળી છે. રાજ્ય સ્તરે અસરકારક નેતૃત્વનો અભાવ પણ હોવાના કારણે પાર્ટીની રણનીતિ નબળી પડી છે. આરજેડી જેવા સાથી પક્ષો પર વધુ પડતી નિર્ભરતાના કારણે કોંગ્રેસ પોતાની સ્વતંત્ર ઓળખ ગુમાવી રહી છે. કોંગ્રેસે 2025ની વિધાનસભા ચૂંટણી માટે સંગઠનાત્મકને મતબૂજ કરવા માટેના પગલાં લીધાં છે. તેમ છતાં છેલ્લી 10 ચૂંટણીનો ઈતિહાસ જોતા પાર્ટીએ પોતાની જમીન પરની પક્કડ મજબૂત કરવા માટે સખત મહેનત કરવી પડશે. જો પાર્ટીએ રાજ્યમાં અસરકારક ભૂમિકા ભજવવી હોય, તો તેણે સંગઠનાત્મક સુધારા, અસરકારક નેતૃત્વ અને સ્વતંત્ર રણનીતિ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે.