– નોટિસ આપ્યાના બીજા જ દિવસે મકાન તોડી પડાતા સુપ્રીમ નારાજ
– નોટિસ આપ્યા બાદ અપીલ કરવા પુરતો સમય આપવો પડે, આ કેસમાં મનમાની રીતે કાર્યવાહી કરાઇ જે આઘાતજનક છે : સુપ્રીમ
નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશમાં ડિમોલિશનને લઇને આઘાત વ્યક્ત કર્યો હતો સાથે જ સરકાર અને જવાબદાર અધિકારીઓનો ઉધડો લીધો હતો. સુપ્રીમે કહ્યું હતું કે મકાન ખાલી કરવા માટે નોટિસ આપ્યાના ૨૪ કલાકમાં જ ઘર તોડી પાડવામાં આવ્યું, પ્રશાસનની આ પ્રકારની કામગીરી ખરેખર આઘાતજનક છે. આ સાથે જ સુપ્રીમે અરજદારોને તે જ જમીન પર પોતાના ખર્ચે ફરી મકાન બનાવવાની છૂટ આપી હતી.
સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ અભય એસ ઓકા અને ન્યાયાધીશ ઉજ્જલ ભુયાનની બેંચે પ્રયાગરાજના અરજદારોની અપીલની સુનાવણી કરી હતી. આ અરજદારોમાં વકીલ, પ્રોફેસર અને અન્ય ત્રણ લોકોનો સમાવેશ થાય છે. અરજદારોએ પુરાવા રજુ કર્યા હતા અને દાવો કર્યો હતો કે અમને નોટિસ મળી તેના બીજા જ દિવસે અમારા મકાન તોડી પાડવામાં આવ્યા, અમને આ નોટિસને પડકારવા માટે પુરતો સમય પણ આપવામાં ના આવ્યો.
આ પહેલા અરજદારોએ મકાનો તોડી પાડવા સામે અલ્લાહાબાદ હાઇકોર્ટમાં અપીલ કરી હતી જેને ફગાવી દેવાઇ હતી તે સમયે હાઇકોર્ટે કહ્યું હતું કે જે જમીન પર મકાન બનાવાયા હતા તે નાઝૂલ જમીન છે જેને વર્ષ ૧૯૦૬માં લીઝ પર અપાઇ હતી, લીઝ વર્ષ ૧૯૯૬માં પુરી થઇ ગઇ હતી. તેમની અપીલોને વર્ષ ૨૦૧૫ અને ૨૦૧૯માં નકારી દેવાઇ હતી. રાજ્ય સરકારે કહ્યું હતું કે જમીનને ખાલી કરાવીને જાહેર જનતાના ઉપયોગ માટે રાખવામાં આવી છે અને અરજદારોને ડિમોલિશનને પડકારવાનો કોઇ અધિકાર નથી.
સુપ્રીમના ન્યાયાધીશ અભય એસ ઓકાએ કહ્યું હતું કે પ્રશાસને ડિમોલિશનની સમગ્ર પ્રક્રિયામાં નિયમોનું પાલન કરીને પારદર્શિતા દાખવવી જોઇએ, સામેવાળાને નોટિસ સામે અપીલ કરવાનો સમય આપવો પડે. તમે નોટિસ આપ્યાના બીજા જ દિવસે મકાન તોડી પાડયા, કોર્ટ આ જમીન પર પોતાના ખર્ચે ફરી મકાન બનાવવાની છૂટ માટે આદેશ આપી શકે છે. આ દરમિયાન અરજદારોએ નોટિસ સામે અપીલ કરવાની રહેશે અને જો તેમની વિરુદ્ધમાં નિર્ણય લેવાય તો તેમણે પોતાના ખર્ચે જ આ મકાન તોડવા પડશે.
એટર્ની જનરલ આર વેંકટરમણીએ કહ્યું હતું કે અરજદારોને પ્રથમ નોટિસ ૮ ડિસેમ્બર ૨૦૨૦ અને બીજી નોટિસ જાન્યુઆરી અને માર્ચ ૨૦૨૧ના પણ અપાઇ હતી, તેથી એમ ના કહી શકાય કે અમે નિયમોનું પાલન નહોતુ કર્યું અને અરજદારોને પુરતો સમય નહોતો આપ્યો, જવાબમાં ન્યાયાધીશ ઓકાએ કહ્યું હતું કે અગાઉની નોટિસ તમે લોકોએ સ્થળ પર ચોંટાડી દીધી હતી જ્યારે માત્ર ત્રીજી નોટિસ રજિસ્ટરેડ પોસ્ટથી મોકલી હતી વળી બીજા દિવસે જ મકાનો તોડી પાડયા હતા. અરજદારોની અપીલ મુજબ તેમને ૧ માર્ચ ૨૦૨૧ના રોજ નોટિસ ઇશ્યૂ થઇ હતી જે તેમને ૬ માર્ચ ૨૦૨૧ના રોજ મળી હતી અને ૭ માર્ચ ૨૦૨૧ના રોજ એટલે કે બીજા જ દિવસે મકાન તોડી પડાયા હતા. અમને યુપી અર્બન પ્લાનિંગ એન્ડ ડેવલપમેન્ટ એક્ટ હેઠળ આ કાર્યવાહીની નોટિસને પડકારવાનો સમય પણ નહોતો અપાયો.