The Great Indian Musical to Premiere in New York : આગામી સપ્ટેમ્બર મહિનામાં અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં NMCC (નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર) દ્વારા ત્રણ દિવસીય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું છે. દેશ વિદેશથી જાણીતી હસ્તીઓ ‘ઇન્ડિયા વીકેન્ડ’ કાર્યક્રમમાં પહોંચશે. ઈન્ડિયા વીકેન્ડમાં ભારતના સૌથી મોટા થિયેટ્રિકલ પ્રોડક્શનનું US પ્રીમિયર પણ થશે. ‘ધ ગ્રેટ ઈન્ડિયન મ્યુઝિકલ: સિવિલાઈઝેશન ટુ નેશન’માં ભારતની 5 હજાર વર્ષની યાત્રાના દર્શન થશે.
NMACC દ્વારા આ થિયેટ્રિકલ પ્રોડક્શનનો એક વીડિયો જાહેર કરવામાં આવ્યો છે. ફિરોઝ અબ્બાસ ખાન આ 90 મિનિટના શોના ડાયરેક્ટર છે. જેમાં 350થી વધુ આર્ટિસ્ટ ભૂમિકા ભજવશે તથા તેમાં નૃત્ય, ડ્રામા, સંગીતનો સમાવેશ થાય છે. આ શૉમાં રામાયણ, ભાગવદ ગીતા અને મુઘલ કાળના સંઘર્ષો પણ દર્શાવવામાં આવ્યા છે.
જુઓ વીડિયો
શું છે આ ઇન્ડિયા વીકેન્ડ?
વીકેન્ડની શરુઆતમાં ડેવિડ એચ. કોચ થિયેટરમાં ભારતના સૌથી મોટા ડ્રામા મેકિંગ ‘ધ ગ્રેટ ઇન્ડિયન મ્યુઝિકલ: સિવિલાઇઝેશન ટુ નેશન’નું યુ.એસ.પ્રીમિયર કરવામાં આવશે. 100થી વધુ કલાકારો મનીષ મલ્હોત્રા દ્વારા ડિઝાઇન કરાયેલા વસ્ત્રો પહેરશે. સંગીતમાં અજય-અતુલ, કોરિયોગ્રાફીમાં મયુરી ઉપાધ્યાય, વૈભવી મર્ચન્ટ જેવા કલાકારો સામેલ હશે. ઉદ્ઘાટનની રાત્રે આમંત્રિત લોકો માટે રેડ-કાર્પેટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. રેડ કાર્પેટ પર મનીષ મલ્હોત્રા દ્વારા તૈયાર ‘સ્વદેશ ફેશન શો’ પણ કરવામાં આવશે. સાથે જ જાણીતા શેફ વિકાસ ખન્નાના હાથે તૈયાર કરાયેલા વ્યંજનોની મદદથી પ્રાચીનથી આધુનિક ભારતની યાત્રા રજૂ કરશે.
વિવિધ કાર્યક્રમો
ઇન્ડિયા વીકેન્ડમાં ડેમરોશ પાર્કમાં ‘ઇન્ડિયન બજાર’ પણ ખોલવામાં આવશે જેમાં ભારતીય ફેશન, વસ્ત્ર અને સંગીતનો અનુભવ આપશે. દરરોજ ભજન, મંત્રોચ્ચાર અને ગીતા પાઠ સાથે કાર્યક્રમ શરુ થશે. યોગ માટે વર્કશોપ તથા બોલિવુડ નૃત્ય પણ દર્શાવાશે. 13 સપ્ટેમ્બરે પાર્થિવ ગોહિલ અને તેમની ટીમ દ્વારા ગરબા અને દાંડિયા રાસનું વિશેષ આયોજન કરવામાં આવશે. છેલ્લા દિવસે સિતાર વાદક રિષભ શર્મા શાસ્ત્રીય સંગીત પ્રસ્તુત કરશે. ‘નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર ઇન્ડિયા વીકેન્ડ’ કાર્યક્રમનું સમાપન ફૂલોની હોળી સાથે કરાશે.