Verdict on Vehicle Compensation : ગુજરાત હાઇકોર્ટે એક મહવના ચુકાદા મારફતે ઠરાવ્યું છે કે, મોટર વાહન અકસ્માત ટ્રિબ્યુનલ કાર્યાત્મક અપંગતા(ફિઝીકલ ડિસએબિલીટી)નું મૂલ્યાંકન કરવાની ફરજ ધરાવે છે અને તે માત્ર પ્રમાણપત્ર કે સર્ટિફિકેટમાં દર્શાવેલ શારીરિક અપંગતા પર આધાર રાખી શકે નહી. જસ્ટિસ જે.સી.દોશીએ વાહન અકસ્માતમાં ગંભીર ઇજાઓ પામી પેરાપ્લેજીયાનો ભોગ બનનાર એક સગીરને નોંધપાત્ર વળતર વધારી આપતાં ચુકાદામાં સ્પષ્ટ કર્યું હતુ કે, મોટર વાહન અકસ્માત ટ્રિબ્યુનલ પીડિતની સંભવિત આવક અથવા તો કમાણી સહિત આવક શકિત પર શારીરિક અપંગતાના પ્રભાવનું મૂલ્યાંકન કરવુ જોઇએ. ટ્રિબ્યુનલ ફકત ડોકટર દ્વારા ઇશ્યૂ કરાયેલા શારીરિક અપંગતાના સર્ટિફિકેટ પર માત્ર આધાર રાખી શકે નહી. કાર્યાત્મક અપગંતાનું પૂરતું અને યોગ્ય મૂલ્યાંકન કરવાની ટ્રિબ્યુનલની ફરજ છે.
અપંગતાનું મૂલ્યાંકન કરવાની ટ્રિબ્યુનલની ફરજ
હાઇકોર્ટે વઘુમાં જણાવ્યું હતું કે, પીડિત સગીર લકવાગ્રસ્ત (પેરાપ્લેજીયા પીડિત) બન્યો હતો. સુપ્રીમકોર્ટના સંબંધિત ચુકાદા મુજબ, કાર્યાત્કમતા અપંગતાનું મૂલ્યાંકન કરવાની ટ્રિબ્યુલની ફરજ છે. ટ્રિબ્યુનલે શારીરિક ક્ષતિને કાર્યાત્મકતા અપંગતા તરીકે સ્વીકારી છે પરંતુ વળતરની ગણતરી માટે તેને 50 ટકા જ ગણી છે. એવું જણાય છે કે, ટ્રિબ્યુનલ એ સમજવામાં નિષ્ફળ રહી છે કે, શરીરના ઉપરના ભાગે લકવો થઇ જવાથી સગીર પીડિત નાની ઉમંરમાં જ મૃત હાલત જેવી પરિસ્થિતિમાં આવી ગયો છે.
આકસ્મિક ઇજાના કારણે પાંચ વર્ષના સગીરનું સામાન્ય જીવન દુઃખ અને અવર્ણનીય પીડામાં ફેરવાઇ ગયું., તેથી સમગ્ર શરીરમાં 50 ટકા શારીરિક ક્ષતિ અને 100 ટકા કાર્યાત્મકતા અપંગતા છે. પીડિત સગીર આખા જીવન માટે કોઇપણ કામ કરવા નકામો અને નિષ્ફળ બની ગયો છે, ત્યારે ટ્રિબ્યુનલે પીડિત સગીરની ભવિષ્યની આવક અથવા કમાણીના નુકસાનની ગણતરી માટે 50 ટકા અપંગતા અપનાવવામાં ભૂલ કરી છે, તેથી ટ્રિબ્યુલના તારણો સુધારવા જરૂરી છે.
હાઇકોર્ટે ટ્રિબ્યુલના હુકમમાં સુધારો કરી પીડિત સગીરને વાર્ષિક 9 ટકા વ્યાજ સાથે રૂ.13, 09,240નું વળતર ચૂકવી આપવા ઠરાવ્યું હતુ અને વીમા કંપનીને વળતરની આ રકમ છ સપ્તાહમાં જમા કરાવવા સ્પષ્ટ હુકમ કર્યો હતો. 2002માં સર્જાયેલા એક અકસ્માતમાં પિતાનું મોત થયું હતું. જ્યારે પાંચ વર્ષના સગીર પુત્રને માથા સહિતના ભાગોએ બહુ જ ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તે પેરાપ્લેજીયા-લકવાગ્રસ્ત બન્યો હતો. પીડિત તરફથી મોટર વાહન અકસ્માત ટ્રિબ્યુનલમાં રૂ. 15 લાખનો વળતરનો દાવો કરવામાં આવ્યો હતો. જો કે, ટ્રિબ્યુનલે રૂ.2,25,000 જ વળતર અપાવતો હુકમ કર્યો હતો. જેનાથી નારાજ પીડિત સગીર દ્વારા તેના ગાર્ડીઅન મારફતે ગુજરાત હાઇકોર્ટમાં અપીલ કરી હતી.