Gujarat Police Accident: હરિયાણામાં ભારતમાલા હાઇવે પર એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. સકતાખેડા ગામ પાસે વડીંગખેડા પેટ્રોલ પંપ પાસે ગુજરાતના અમદાવાદની પોલીસની કારને એક ગમખ્વાર અકસ્માત નડ્યો છે. ગુજરાત પોલીસનું વાહન હાઇવે પર પાર્ક કરેલા વાહનમાં ઘૂસી જતાં ત્રણ પોલીસ જવાનના મોતની માહિતી સામે આવી છે.
માહિતી અનુસાર હરિયાણાના સિરસામાંથી પસાર થતાં ભારતમાલા ફોરલેન હાઇવે પર બુધવારે વહેલી સવારે એક મોટો અકસ્માત સર્જાયો હતો. પંજાબ તપાસ અર્થે જઇ રહેલી ગુજરાતના અમદાવાદ પોલીસની કાર રોડની સાઇડમાં ઊભેલા વાહનમાં ટકરાઇ હતી. આ અકસ્માતમાં ગુજરાત પોલીસના ત્રણ કર્મચારીઓના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે એકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
અકસ્માતની જાણ થતાં NHAIની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને તમામ ઇજાગ્રસ્તો અને મૃતકોને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઇજાગ્રસ્તની હાલત ગંભીર હોવાથી ભઠિંડા રિફર કરાયો હતો.આ મામલે હાલમાં ડબવાલી પોલીસ તપાસ કરી રહી છે અને ગુજરાત પોલીસ પણ આ મામલે તેની સાથે સંપર્કમાં હોવાનું જાણવા મળ્યું છે.
પંજાબ જઇ રહ્યા હતા તપાસ માટે…
અમદાવાદની રામોલ પોલીસ ગુજરાતથી કેસની તપાસ અર્થે પંજાબ જઇ રહી હતી તે દરમિયાન રસ્તામાં ગુજરાત પોલીસની કાર રોડની સાઈડમાં ઊભા ટ્રેઇલરની પાછળ ઘૂસી જતાં ત્રણ પોલીસકર્મીઓના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. મૃતકોની ઓળખ પોલીસ કોન્સ્ટેબલ સુનિલ ગામીત, હોમગાર્ડ રવિન્દ્ર અને ખાનગી ડ્રાઈવર કનુભાઈ ભરવાડ તરીકે થઇ હોવાની હાલ પ્રાથમિક માહિતી મળી રહી છે. આ અકસ્માતમાં રામોલ પોલીસ મથકના પી.એસ.આઇ. જે પી સોલંકીને પણ ગંભીર ઇજા પહોંચી છે. અકસ્માતના પગલે પોલીસબેડામાં શોકનો માહોલ છે.