Cyber Gang Caught in Ahmedabad: નિર્દોષ પ્રજાજનો સાથે સાયબર ફ્રોડ કરીને મેળવેલા 50 કરોડ રૂપિયા દુબઈ મોકલી આપનાર ટોળકી અમદાવાદમાંથી પકડાઈ છે. સામાન્ય નાગરિકોને ભોળવી તેમના પાન કાર્ડ, આધાર કાર્ડ મેળવી લઈને તેમના નામે બનાવટી બૅન્ક એકાઉન્ટસ અને કંપનીઓ ખોલીને કરોડો રૂપિયાની આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય હેરાફેરીનું કારસ્તાન ઑક્ટોબર-2024થી ચલાવાતું હતું. બાતમીના આધારે ઝોન-7 ડીસીપી સ્કવોડે વી. એસ. પાસેથી ઈસનપુરના યુવકને પકડી પાડી ઊંડી તપાસ કર્યા પછી કુલ પાંચ આરોપી સામે ગુનો નોંઘ્યો છે. દુબઈથી સંચાલન કરતી ટોળકીના બે આરોપી સકંજામાં આવતાં ચોંકાવનારા ખુલાસા થવાની દિશામાં પોલીસ તપાસ ચાલી રહી છે.
ઝોન-7 ડીસીપી સ્કવોડે બાતમીના આધારે વી. એસ. હૉસ્પિટલ પાસેથી બાતમીના આધારે ઈસનપુરની મનોરમા સોસાયટીમાં રહેતા ચિરાગ નરેશભાઈ કડિયાને પકડી પાડ્યો હતો. મૂળ વાવ ગામનો ચિરાગ કડિયા જુદા જુદા વ્યક્તિઓના નામના બૅન્ક એકાઉન્ટ ખોલાવી આ એકાઉન્ટસ ભાડેથી ફેરવતો હોવાની વિગતોના આધારે 32 વર્ષના ચિરાગની પૂછપરછ શરુ કરવામાં આવી હતી. બાદમાં, સાયબર ફ્રોડ સહિત અન્ય બેનંબરી નાણાંકીય હેરાફેરી માટે બૅન્ક એકાઉન્ટ ભાડે આપવાના કારસ્તાનમાં કુલ પાંચ વ્યક્તિઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
બોડકદેવમાં રહેતા શાલીન રાજેન્દ્રકુમાર ગોયંકા સાથે છેતરપિંડી થયાનું જણાતાં પોલીસે તેમનો સંપર્ક કર્યો હતો. શાલીન ગોયંકાને જુલાઈ-2024માં શેરબજાર અને ગોલ્ડના ઓનલાઇન ટ્રેડિંગના ગ્રૂપમાં જોડીને લોભામણી ઓફરો આપી 7 લાખનું સાયબર ફ્રોડ કરાયું હતું. શાલીન ઉપરાંત અન્ય લોકો સાથે આ પ્રકારે સાયબર ફ્રોડ કરીને મેળવેલા 50 કરોડ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન અમદાવાદની જુદી જુદી બૅન્કોમાં 21 ખાતાં ખોલીને કરાયું હોવાની વિગતો સામે આવી છે.
ચિરાગ કડિયાની પડોશમાં જ રહેતા સ્નેહલ કૃષ્ણકાંતભાઈ સોલંકી, કાલુપુરની બ્રહ્મ પોળમાં રહેતા મુકેશ ખેંગારજી દૈયા, જૈમીન ઉર્ફે સેમ હર્ષદભાઈ ઠક્કર અને ગોપાલ કનૈયાલાલ પ્રજાપતિ સામે ગુનો નોંધાયો છે. ચિરાગ કડિયા રૂ. 10,000 કમિશન મેળવીને બૅન્ક એકાઉન્ટ ખોલાવી આપતો હતો. સ્નેહલ સોલંકી ભાડાના એકાઉન્ટ મેળવવા ઇચ્છતા વ્યક્તિઓને શોધી લાવતો હતો. પ્રિ-એક્ટિવ સીમકાર્ડ અપાવવાનું કામ મુકેશ દૈયા કરતો હતો. જ્યારે, જૈમીન ઉર્ફે સેમ હર્ષદભાઈ ઠક્કર એકાઉન્ટસમાં આવેલા પૈસા દુબઈમાં પાર્ટીઓને મોકલી આપવા માટે આંગડિયા પેઢી સાથેની ગોઠવણો પાડતો હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે.
આ પણ વાંચો: અમદાવાદ પોલીસને હરિયાણામાં નડ્યો અકસ્માત, 3 પોલીસકર્મીઓના ઘટનાસ્થળે જ મોત
પકડાયેલા આરોપી ચિરાગ કડિયા પાસેથી જુદી જુદી બૅન્કોમાં અલગ અલગ કંપનીના નામની 18 પાસબુક અને ચેકબુક, ડેબિટ-ક્રેડીટ કાર્ડ, સીમકાર્ડ સહિતની વસ્તુઓ કબજે કરાઈ હતી. ચિરાગને સાથે રાખી મનોરમા પાર્ક સોસાયટીના તેના ઘરે તપાસ કરતાં બીજી 34 ચેકબુક-પાસબુક ઉપરાંત કુલ 45 ડેબિટ અને ક્રેડીટ કાર્ડ અને કુલ 30 સીમકાર્ડ કબજે કરાયા હતા. 15 બૅન્કોના સ્કેનિંગ માટેના ક્યુ આર કોડ, ત્રણ બૅન્કોના કાર્ડ સ્વેપિંગ મશીન કબજે કરવામાં આવ્યાં છે.
પાંચ બનાવટી કંપનીઓ ખોલીને ગુજરાત ઉપરાંત આઠ રાજ્યોમાં કરોડો રૂપિયાની છેતરપિંડીના ગુના
સત્યમ એન્ટરપ્રાઓઝ, શિવાય એન્ટરપ્રાઓઝ, પ્રજાપતિ ટ્રેડીંગ, રૂપલ એન્ટરપ્રાઇઝ અને રાધે એન્ટરપ્રાઇઝ નામની બનાવટી જણાતી કંપનીઓના પ્રોપરાઇટર તરીકેના સ્ટેમ્પ કબજે કરાયા હતા. આ કંપનીઓ સામે સુરતના અમરોલી, મોરબીના હળવદ અને વાંકાનેર, ડભોડા, ખેડાના વડતાલ, ઉપરાંત હરિયાણા, દિલ્હી, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, ગુરુગ્રામ, આસામ અને ઉત્તરાખંડ રાજ્યોમાં સાયબર ફ્રોડના નાણાંની હેરાફેરી માટે ઉપયોગ કરાયા અંગે જે-તે સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ ચાલી રહી છે.
બનાવટી નામે બૅન્ક ખાતાં ખોલી નેટ બૅન્કિંગ કરવા સીમકાર્ડ મેળવ્યાં : આંગડિયાથી પણ પૈસાની હેરાફેરી
સ્નેહલ સોલંકીના કહેવાથી ચિરાગ કડિયા બૅન્ક એકાઉન્ટ ખોલાવવાનું કામ કરતા હતા. અલગ અલગ એન્ટરપ્રાઇઝના નામે બૅન્ક એકાઉન્ટ ખોલાવવા માટે બૅન્ક હોલ્ડરના નામે ઑફિસ ભાડાપેટે લઈ ઑફિસમાં સાડીઓનો તેમજ અનાજનો વેપાર કરતા હોવાની ખોટી ઓળખ તથા ખોટા પુરાવા ઉભા કરતા હતા. બનાવટી નામના બૅન્ક એકાઉન્ટ ખોલાવીને દુબઈમાં રહેતા સેમને વોટ્સએપ કોલ કરીને વાતચીત કરતો હતો.
બનાવટી કંપનીઓના નામે બૅન્ક ખાતાં ખોલી નેટ બૅન્કીંગ કરવા માટે મુકેશ દૈયા પાસેથી 1200 રૂપિયામાં સીમકાર્ડ મેળવતા હતા. એકાઉન્ટ કીટ અને સીમકાર્ડ સ્નેહલ સોલંકીને તેમના ઓળખીતા, દુબઈમાં રહેતા જયમીન ઠક્કર ઉર્ફે જીમી ઉર્ફે શ્યામને મોકલી આપતા હતા. સ્નેહલ અને જૈમીનના કહેવાથી ચિરાગ કોરડિયાએ અનેક વખત પૈસા ચેક કે એટીએમથી ઉપાડી રોકડા આપતા અથવા તો આંગડિયાથી પણ મોકલી આપ્યા હતા.
પાંચ બોગસ પેઢી ખોલી કરોડો રૂપિયાની હેરાફેરી
ચિરાગ કડિયા – શ્યામ સર્વિસ એન્ટરપ્રાઇઝ
મુકેશ દૈયા- શિવમ એન્ટરપ્રાઇઝ
ગોપાલ પ્રજાપતિ- સત્યમ એન્ટરપ્રાઇઝ
રૂપલ એન્ટરપ્રાઇઝ
રાધે એન્ટરપ્રાઇઝ