Painful incident in Maharashtra: મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના વિરાર વિસ્તારમાં એક એવા સમાચાર સામે આવ્યા છે, જેને સાંભળીને દરેકના રુવાંડા ઉભા થઈ જશે. પોલીસે શુક્રવારે આ માહિતી આપતાં કહ્યું હતું કે, અહીંની એક રહેણાંક બિલ્ડિંગના 21મા માળે ઉભેલી એક મહિલાના હાથમાંથી 7 મહિનાનું બાળક છટકી જતા નીચે પડ્યું હતું. જેથી માસૂમ બાળકનું દર્દનાક મોત થયું હતું.
આ પણ વાંચો : ‘આતંકીઓ સમાજના ભાગલા પાડવા માંગે છે’ શ્રીનગરમાં બોલ્યા રાહુલ ગાંધી, પહલગામ હુમલાના પીડિતોને પણ મળ્યા
બારી પાસેનો દરવાજો બંધ કરતાં હાથમાંથી બાળક છટકી ગયું
એક અધિકારીએ જણાવ્યું કે, ‘આ ઘટના બોલિંગ ટાઉનશીપમાં બની હતી. હકીકત એવી છે કે, માતા તેના બાળકને પોતાના હાથમાં પકડીને ઉભી હતી અને તે સમયે ખુલ્લી બારી પાસેનો દરવાજો બંધ કરી રહી હતી, ત્યારે અચાનક બાળક તેના હાથમાંથી છટકી ગયું હતું.’ અધિકારીએ જણાવ્યું કે, ‘ એ પછી તાત્કાલિક બાળકને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યું, પરંતુ ત્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યું હતું.
પોલીસે આકસ્મિક મૃત્યુનો કેસ દાખલ કર્યો
હાલમાં આ અંગે આકસ્મિક મૃત્યુનો કેસ દાખલ કરવામાં આવ્યો છે અને ઘટનાની ચોક્કસ તપાસ કરવામાં આવી રહી છે. ઘટનાને નજરે જોનારા લોકોના જણાવ્યા પ્રમાણે જ્યારે બાળક હાથમાંથી છટકી ગયું ત્યારે માતા ચીસો પાડતી જમીન પર પડી ગઈ અને એ સમયે મોટો અવાજ પણ થયો હતો. ઘટનાની જાણ થતાં પરિવારજનો અને પડોશીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
આ પણ વાંચો : વક્ફ બાય યુઝરને નોંધણીના આધારે જ માન્યતા મળે: સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારનું સોગંદનામું
ભૂતકાળમાં પણ આવી ઘટના બની છે
ઉલ્લેખનીય છે કે, હાઈરાઈઝ ફ્લેટમાં રહેતા પરિવારજનોએ નાના બાળકોની વિશેષ કાળજી રાખવી જરુરી છે. ફ્લેટની બાલ્કનીમાંથી બાળક પડી જવાની આ પહેલી ઘટના નથી, પરંતુ આવા કિસ્સાઓ આ પહેલા પણ ઘણી વખત નોંધાયા છે. ગયા વર્ષે નવેમ્બરમાં ઉત્તર પ્રદેશના નોઈડામાંથી આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો, જેના સીસીટીવી ફૂટેજ ખૂબ જ હૃદયદ્રાવક હતા. ત્યાં ત્રણ વર્ષનો માસૂમ બાળક રમતી વખતે બાલ્કનીમાંથી પડી ગયો હતો. સ્થળ પર હાજર સ્થાનિક લોકોએ તેને ઉપાડીને હોસ્પિટલ લઈ ગયા. સદ્દનસીબે તેનો બચાવ થયો હતો.