જ
PHOTO: ENVATO, PRADA (INSTA)
Kolhapuri Chappal Row : કોલ્હાપુરી ચંપલ ભારતના ભવ્ય સાંસ્કૃતિક વારસાનું અતિ પ્રસિદ્ધ નજરાણું છે. મહારાષ્ટ્રની ભૂમિ પર સદીઓથી વપરાતા રહેલા અને સમય જતાં સમગ્ર દેશ અને દુનિયામાં ફેલાઈ ગયેલાં વંશીય હસ્તકલાના ઉત્તમ નમૂના એવા આ પગરખાં એટલી સજ્જડ પ્રાદેશિક ઓળખ અને મહત્ત્વ ધરાવે છે કે, ભારત સરકારે 2019માં તેને GI ટેગ પણ આપ્યું હતું. આવા આ કોલ્હાપુરી ચંપલ તાજેતરમાં એક વિવાદમાં સંડોવાયા હતા, કેમ કે એક વિખ્યાત લક્ઝરી ફેશન બ્રાન્ડ પ્રાડાએ તેની નકલ કરીને ફેશન શૉમાં રજૂ કરી દીધા હતા.
વિવાદના મૂળમાં છે ડિઝાઇનની ‘ચોરી’
તાજેતરમાં ઈટાલિયન લક્ઝરી ફેશન બ્રાન્ડ પ્રાડા દ્વારા ‘સ્પ્રિંગ-સમર મિલાન 2026 ફેશન શૉ’નું આયોજન કરાયું હતું, જેમાં પુરુષ મોડેલો કોલ્હાપુરી ચંપલ પહેરીને કેટ વૉક કરતાં દેખાયા હતા. આ ફેશન શૉનો વીડિયો વાયરલ થતાં ભારત સહિત અનેક દેશના યુઝર્સ ભડક્યા હતા કારણ કે, શો નોટ્સમાં પ્રાડાએ આ ફૂટવેરને ‘ચામડાના સેન્ડલ’ તરીકે વર્ણવ્યા હતા. એટલે કે ભારત, મહારાષ્ટ્ર કે પછી કોલ્હાપુરી ચંપલ બનાવતા પરંપરાગત કારીગરોને કોઈ ક્રેડિટ અપાઈ ન હતી. આમ, પ્રાડાએ ખુલ્લેઆમ ઐતિહાસિક ચંપલોની ડિઝાઇનની ચોરી કરી લીધી હતી.
સોશિયલ મીડિયા યુઝર્સે પ્રાડાને આડે હાથે લીધી
વીડિયો વાયરલ થતાં જ સોશિયલ મીડિયા યુઝર્સે પ્રાડાની જોરદાર ટીકા શરુ કરી. અનેક યુઝર્સે લખ્યું હતું કે, કોલ્હાપુરી ચંપલોની ડિઝાઇન પેટન્ટેડ છે અને ભારત સરકારે તેને GI ટેગ પણ આપ્યું છે, તેથી પ્રાડા એ આ ચંપલની ડિઝાઇનની ચોરી કરી કહેવાય. પ્રાડા આ ચંપલ 1.7 લાખથી 2.10 લાખ રૂપિયા સુધીની કિંમતે વેચતું હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, પ્રાડા ઈટાલીનું લક્ઝરી ફેશન હાઉસ છે, જેની સ્થાપના 1913માં મિલાન શહેરમાં મારિયો પ્રાડા દ્વારા કરાઈ હતી. પ્રાડા લેધર હેન્ડબેગ, ટ્રાવેલ એસેસરીઝ, શૂઝ જેવા ઘણી બધી ચીજવસ્તુ બનાવે છે અને ઊંચા ભાવે વેચે છે.
MACCIA એ પત્ર લખીને વિરોધ નોંધાવ્યો
આ મુદ્દો ધ્યાનમાં આવતાં ‘મહારાષ્ટ્ર ચેમ્બર ઑફ કોમર્સ, ઇન્ડસ્ટ્રી એન્ડ એગ્રિકલ્ચર’ (MACCIA) ના પ્રમુખ લલિત ગાંધીએ પ્રાડાને પત્ર લખીને જણાવ્યું હતું કે, ‘કોલ્હાપુરી ચંપલ મહારાષ્ટ્રના સાંસ્કૃતિક વારસાની સદીઓ જૂની કારીગરીનું પ્રતિનિધિત્વ કરે છે. આ ઉત્પાદન માત્ર પ્રાદેશિક ઓળખનું પ્રતીક નથી, પરંતુ તે કોલ્હાપુર પ્રદેશ અને આસપાસના જિલ્લામાં હજારો કારીગરો અને પરિવારોને આજીવિકા આપે છે. વિવિધ સંસ્કૃતિઓમાંથી પ્રેરણા લેવાના પ્રાડાના આવા પગલાંની અમે પ્રશંસા કરીએ છીએ, પણ આ ડિઝાઇનનું વ્યાપારીકરણ પેઢી દર પેઢી આ વારસાને સાચવનારા કારીગર સમુદાયોની સ્વીકૃતિ, શ્રેય અને સહયોગ વિના કરાયું છે. પ્રાડા આ ડિઝાઇન પાછળની પ્રેરણાને જાહેરમાં સ્વીકારે તથા એની સાથે સંકળાયેલા કારીગર સમુદાયને વાજબી વળતર અને શ્રેય આપે એ ઇચ્છનીય છે. આમ કરવાથી નૈતિક પ્રથાઓનું પાલન થશે તથા વૈશ્વિક ફેશનમાં વારસાગત કારીગરી અને સમકાલીન ડિઝાઇન વચ્ચે અર્થપૂર્ણ વિનિમય સર્જાશે.’
છેવટે પ્રાડાએ ડિઝાઇનની ‘પ્રેરણા’ લીધી હોવાનું સ્વીકાર્યું
MACCIAના પત્રના જવાબમાં પ્રાડાના કોર્પોરેટ સામાજિક જવાબદારી જૂથના વડા લોરેન્ઝો બર્ટેલીએ પત્ર લખીને કોલ્હાપુરી ચંપલની ડિઝાઇનમાંથી ‘પ્રેરણા’ લીધી હોવાનું સ્વીકાર્યું છે. આ પત્રમાં લખ્યું છે કે, ‘અમે સ્વીકારીએ છીએ કે મિલાન ફેશન શૉમાં દર્શાવેલા ચંપલ પરંપરાગત ભારતીય હસ્તકલાથી પ્રેરિત છે, જે તેમનો સદીઓ જૂનો વારસો છે. અમે ભારતીય કારીગરીના સાંસ્કૃતિક મહત્ત્વને સમજીએ છીએ અને એક જવાબદાર ફેશન બ્રાન્ડ તરીકે સ્થાનિક ભારતીય કારીગર સમુદાયો સાથે અર્થપૂર્ણ આદાનપ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છીએ, જેથી તેમની કારીગરીને યોગ્ય માન્યતા મળે.’
ચંપલોનું વેચાણ શરુ ન કર્યું હોવાની સ્પષ્ટતા કરી
પ્રાડા આ ચંપલ 1.7 લાખથી 2.10 લાખ રૂપિયા સુધીની કિંમતે વેચતું હોવાની ચર્ચા બાબતે પત્રમાં એવી સ્પષ્ટતા કરાઈ છે કે, ‘અમારી ચંપલોની ડિઝાઇન હજુ પ્રાથમિક તબક્કામાં છે. એનું માસ પ્રોડક્શન હજુ મંજૂર નથી કરાયું. રેમ્પ પર મોડેલો દ્વારા પહેરવામાં આવેલી એક પણ ચંપલની ડિઝાઇનનું અમે હજુ સુધી વ્યાપારીકરણ નથી કર્યું.’
કોલ્હાપુરી ચંપલના મૂળિયાં તેરમી સદીમાં છે
કોલ્હાપુરી ચંપલની શરુઆત ફેશન માટે નહીં, પણ જરૂરત પ્રમાણે થઈ હતી. 13મી સદીમાં કોલ્હાપુર વિસ્તારમાં સૌથી પહેલીવાર બનાવાયેલા આ ચંપલનો હેતુ કઠોર ભૂપ્રદેશમાં વસતાં લોકોના પગને બળબળતી ગરમીથી બચાવવાનો હતો. આ ચંપલ પરંપરાગત રીતે ભેંસના ચામડામાંથી બનાવાતા. પુરુષો ચામડું તૈયાર કરીને તેને આકાર આપતા, બાળકો ચંપલના પટ્ટા વણતા અને સ્ત્રીઓ વિવિધ વનસ્પતિમાંથી રંગો બનાવીને એ ચંપલને રંગ કરતી. આ રીતે તૈયાર થતાં મજબૂત, ટકાઉ અને વોટરપ્રૂફ ચંપલ દુનિયાભરમાં કોલ્હાપુરી ચંપલ તરીકે જાણીતા થયા.
GI ટૅગ શું હોય છે?
GI ટેગ એટલે જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન (ભૌગોલિક સંકેત). આ ટેગ કે દરજ્જો એવા ઉત્પાદનને અપાય છે, જે પરંપરાગત પદ્ધતિથી બનાવાતું હોવાથી ચોક્કસ પ્રકારના ભૌગોલિક ગુણો, લાક્ષણિકતા અને પ્રતિષ્ઠા ધરાવતું હોય છે. એક રીતે જોઈએ તો આ ટેગ બૌદ્ધિક સંપત્તિનું સંરક્ષણ કરવા માટેનું ‘સાધન’ છે. GI ટેગ ધરાવતી ચીજની અનધિકૃત નકલ કરનાર કાયદાની દૃષ્ટિએ ગુનેગાર ગણાય છે અને એના વિરુદ્ધ કાયદાકીય પગલાં લઈ શકાય છે. ભારતના GI ટેગ ધરાવતાં અન્ય ઉત્પાદનો છે ‘દાર્જિલિંગ ચા’, ‘કાંજીવરમ સાડી’ અને ‘તિરુપતિ લાડુ’.