મુંબઈ : વિદેશ વસતા ભારતીયો દ્વારા નાણાં વર્ષ ૨૦૨૪-૨૫માં ૧૩૫.૪૬ અબજ ડોલરની વિક્રમી રકમ સ્વદેશ પાઠવાઈ હોવાનું રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ના ડેટા જણાવે છે. રિઝર્વ બેન્ક દ્વારા જારી કરાયેલા બેલેન્સ ઓફ પેમેન્ટસના ડેટા પ્રમાણે, પ્રાઈવેટ ટ્રાન્સફર્સ તરીકે નોંધાયેલા ગ્રોસ ઈનવર્ડ રેમિટન્સ નાણાં વર્ષ ૨૦૨૩-૨૪ની સરખામણીએ નાણાં વર્ષ ૨૦૨૪-૨૫માં ૧૪ ટકા વધુ રહ્યું હતું.
વિદેશમાં વસતા ભારતીયો તરફથી લગભગ છેલ્લા એક દાયકાથી ભારત સૌથી વધુ રેમિટેન્સ પ્રાપ્ત કરી રહ્યું છે.
નાણાં વર્ષ ૨૦૧૭માં ૬૧ અબજ ડોલર પરથી વધી રેમિટેન્સનો આંક ગયા નાણાં વર્ષમાં બમણાથી પણ વધુ રહ્યો છે.
૩૧મી માર્ચના સમાપ્ત થયેલા નાણાં વર્ષમાં જોવાયેલા એક ટ્રિલિયન ડોલરના ગ્રોસ કરન્ટ એકાઉન્ટ ઈન્ફલોસમાં રેમિટેન્સનો હિસ્સો ૧૦ ટકા જેટલો રહ્યો હોવાનું રિઝર્વ બેન્કના ડેટા જણાવે છે.
ક્રુડ તેલના ભાવમાં ઘટાડા છતાં રેમિટેન્સમાં મજબૂતાઈ જળવાઈ રહી છે. અખાતના દેશો ઉપરાંત અમેરિકા, યુકે તથા સિંગાપુર ખાતેથી નોંધપાત્ર રેમિટેન્સ પ્રાપ્ત થાય છે.
ગયા નાણાં વર્ષમાં પ્રાપ્ત થયેલા કુલ રેમિટેન્સમાંથી ૪૫ ટકા રેમિટેન્સ સિંગાપુર, યુકે તથા અમેરિકા આ ત્રણ દેશોમાંથી આવ્યું હતું.
રેમિટેન્સની ઊંચી માત્રા દેશની વેપાર ખાધને ભરપાઈ કરવામાં મુખ્ય સ્રોત બની રહે છે, એમ રિઝર્વ બેન્કના સુત્રોએ જણાવ્યું હતું.
ઊંચી આવક સાથેના દેશોમાં રોજગારની સ્થિતિ સુધરતા તેનો લાભ ભારત સહિત કેટલાક દેશોને જોવા મળી રહ્યો છે. ૨૦૨૪ના ં કેલેન્ડર વર્ષમાં વિદેશમાંથી રેમિટેન્સના રૂપમાં સ્વદેશમાં નાણાં મેળવવામાં ૧૨૯ અબજ ડોલર સાથે ભારત વૈશ્વિક સ્તરે ટોચ પર રહ્યું છે.
ભારત બાદ સૌથી વધુ રેમિટેન્સ મેળવનારા દેશોમાં મેક્સિકો, ચીન, ફિલિપાઈન્સ તથા પાકિસ્તાનનો સમાવેશ થાય છે, એમ વર્લ્ડ બેન્કના એક રિપોર્ટમાં અગાઉ જણાવાયું હતું.
ઓર્ગેનાઈઝેશન ફોર ઈકોનોમિક કો-ઓપરેશન એન્ડ ડેવલપમેન્ટના ઊંચી આવક સાથેના દેશોમાં જોબ માર્કેટમાં રિકવરીને કારણે ભારતમાં રેમિટેન્સનો આંક ઊંચો જોવા મળી રહ્યો છે.