મુંબઈ : દેશના સામાન્ય નાગરિકોને રાહત પૂરી પાડવાના ભાગરૂપ સરકાર ગુડસ એન્ડ સર્વિસીસ ટેકસ (જીએસટી)ના દરમાં ટૂંક સમયમાં ફેરબદલ કરશે તેમ નાણાં મંત્રાલયના સુત્રોએ જણાવ્યું હતું. રોજબરોજની ઘરેલુ વપરાશની ચીજવસ્તુ પરના જીએસટી દરમાં સરકાર ઘટાડો કરવા વિચારી રહી છે.
જીએસટીના હાલના માળખા પ્રમાણે પ, ૧૨, ૧૮ અને ૨૮ ટકા એમ જીએસટીના કુલ ચાર સ્તર છે. જો કે કિંમતી ધાતુ પર જીએસટીના અલગ દર નિશ્ચિત કરાયા છે.
હાલમાં જે માલસામાન પર જીએસટી લાગુ કરવામાં આવ્યો છે તેમાંથી ૨૧ ટકા માલસામાન પર પાંચ ટકા, ૧૯ ટકા માલસામાન ૧૨ ટકા, ૪૪ ટકા માલસામાન તથા સેવા પર ૧૮ ટકા અને ૩ ટકા માલસામાનની એવી શ્રેણી છે જેના પર ૩ ટકા જીએસટી લાગુ કરવામાં આવે છે.
દરમાં ઘટાડો કરાશે તો, આવકવેરા બાદ દેશના સામાન્ય નાગરિકોને આ એક મોટી રાહત મળી રહેશે. સરકાર જે માલસામાન પર જીએસટી ઘટાડવા ઈરાદો ધરાવે છે તેમાં ગારમેન્ટસ, પગરખાં, વાસણો વગેરેનો સમાવેશ થાય છે.
૧૨ ટકાનો જીએસટીનો દર સરકાર યા તો નાબુદ કરશે અથવા તો તે ઘટાડશે તેવી પણ સુત્રોએ માહિતી આપી હતી.
અત્રે ઉલ્લેખનિય છે, કે સોમવારે જાહેર થયેલા જીએસટીના ડેટા પ્રમાણે નાણાં વર્ષ ૨૦૨૪-૨૫માં સરકારે જીએસટી મારફત કુલ રૂપિયા ૨૨.૦૮ લાખ કરોડની આવક કરી છે જે નાણાં વર્ષ ૨૦૨૧માં કરેલી રૂપિયા ૧૧.૩૭ લાખ કરોડની આવકની સરખામણીએ લગભગ બમણી છે.
નાણાં વર્ષ ૨૦૨૩-૨૪ની સરખામણીએ નાણાં વર્ષ ૨૦૨૪-૨૫ની જીએસટી વસૂલી ૯.૪૦ ટકા વધુ રહી છે. નાણાં વર્ષ ૨૦૨૫માં જીએસટી મારફત માસિક સરેરાશ રૂપિયા ૧.૮૪ લાખ કરોડની આવક થઈ છે જે નાણાં વર્ષ ૨૦૨૪માં રૂપિયા ૧.૬૮ લાખ કરોડ જોવા મળી હતી. દેશમાં જીએસટી પદ્ધતિ હેઠળ કરદાતાની સંખ્યા જે જીએસટીના પ્રારંભિક વર્ષ એટલે કે ૨૦૧૭માં ૬૫ લાખ હતી તે છેલ્લા આઠ વર્ષમાં વધી ૧.૫૦ કરોડ પર પહોંચી ગઈ છે.