મુંબઈ : વિશ્વ બજારમાં સોનાચાંદીમાં સ્થિરતા પાછળ ઘરઆંગણે પણ ભાવમાં સાધારણ સુધારો જોવા મળ્યો હતો. અમેરિકાની સેનેટમાં ટેકસ બિલ પસાર થઈ જતા કિંમતી ધાતુમાં ભાવ મક્કમ રહ્યા હતા. અમેરિકાના આર્થિક ડેટા અપેક્ષા કરતા સારા રહેતા ડોલરમાં ઘટાડો મર્યાદિત રહ્યો હતો. ક્રુડ તેલના ભાવ પણ સ્થિર જળવાઈ રહ્યા હતા.
ઘરઆંગણે મુંબઈ બજારમાં ૯૯.૯૦ દસ ગ્રામ સોનાના જીએસટી વગરના ભાવ સાધારણ વધી રૂપિયા ૯૭૪૮૦ જ્યારે ૯૯.૫૦ના દસ ગ્રામના ભાવ રૂપિયા ૯૭૦૯૦ રહ્યા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના જીએસટી વગરના ભાવ રૂપિયા ૧૦૬૬૮૮ રહ્યા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા.
અમદાવાદ ઝવેરીબજારમાં ૯૯.૯૦ સોનાના દસ ગ્રામ દીઠ ભાવ રૂપિયા ૧૦૦૫૦૦ રહ્યા હતા. ૯૯.૫૦ દસ ગ્રામના ભાવ રૂપિયા ૧૦૦૨૦૦ કવોટ થતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના ૧૦૭૦૦૦ બોલાતા હતા.
વિશ્વ બજારમાં સોનું ઔંસ દીઠ ૩૩૪૨ ડોલર જ્યારે ચાંદી પ્રતિ ઔંસ ૩૬.૨૨ ડોલર મુકાતી હતી. અન્ય કિંમતી ધાતુ પ્લેટિનમ ૨૫ ડોલર ઊંચકાઈને ૧૩૮૬ ડોલર જ્યારે પેલેડિયમ ૧૫ ડોલર વધી ૧૧૨૩ ડોલર બોલાતુ હતું. સોના પાછળ બન્ને કિંમતી ધાતુને ટેકો મળી રહ્યો છે. અમેરિકાના આઈએસએમ મેન્યુફેકચરિંગ ડેટા જે મેમાં ૪૮.૫૦ હતા તે જૂનમાં વધી ૪૯ રહ્યા હતા. જોબ ઓપનિંગના ડેટા પણ ધારણાં કરતા ઊંચા રહ્યા હતા, જેને કારણે સોનાચાંદીને ટેકો મળી રહ્યો છે.
અમેરિકામાં ટેકસ બિલ સેનેટમાં મંજુર થઈ ગયું છે અને કાયદામાં રૂપાંતર થશે તો અમેરિકાના દેવાબોજમાં વધારો થશે જેને પરિણામે ડોલરમાં નબળાઈ આવી શકે છે. ફન્ડ હાઉસો ડોલર વેચી ગોલ્ડ તરફ વળી રહ્યા છે.
દરમિયાન ક્રુડ તેલમાં ભાવમાં મક્કમતા જળવાઈ રહી હતી. ઓપેક તથા સાથી દેશોની રવિવારે મળી રહેલી મીટિંગ તથા ટેરિફ લાગુ થવાની ૯ જુલાઈની તારીખ નજીક આવી રહી છે તેપૂર્વે ક્રુડ તેલમાં સ્થિરતાનું વાતાવરણ છે.
ડબ્લ્યુટીઆઈ નાયમેકસ ક્રુડ તેલ પ્રતિ બેરલ ૬૬.૩૪ ડોલર તથા આઈસીઈ બ્રેન્ટ ક્રુડ બેરલ દીઠ ૬૭.૯૯ ડોલર મુકાતુ હતું. ચીનના રિફાઈનરો ઈરાનના ક્રુડ તેલની ખરીદી કરી રહ્યા હોવાના અહેવાલ હતા.