Politics News: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ વચ્ચે મંગળવારે થયેલી મુલાકાત અને બુધવારે સતત બીજા દિવસે ભાજપના ટોપ નેતાઓની બેઠકને લઈને રાજનીતિમાં ખળભળાટ મચ્યો છે. અટકળો લગાવવામાં આવી રહી છે કે, ભાજપમાં ટુંક સમયમાં જ મોટો સંગઠનાત્મક ફેરફાર થઈ શકે છે અને નવા પાર્ટી અધ્યક્ષ જાહેર કરી શકાય છે.
જોકે પાર્ટીના અધિકારીઓએ વડાપ્રધાનની રાષ્ટ્રપતિ સાથે મુલાકાતને એક ઔપચારિક પ્રક્રિયા ગણાવી છે, જેમાં વડાપ્રધાન દેશના મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ અને પોતાની વિદેશ યાત્રાઓની માહિતી આપે છે. પરંતુ સૂત્રોના અનુસાર, આ બેઠકમાં સુપ્રીમ કોર્ટના હાલના નિર્ણય પર પણ વાતચીત થઈ શકે છે, જેમાં રાજ્યપાલ અને રાષ્ટ્રપતિને વિધાનસભામાંથી પસાર થયેલા બિલો પર ત્રણ મહિનામાં નિર્ણય લેવાની સમય મર્યાદા નક્કી કરાઈ છે. સરકાર હવે આ નિર્ણય પર પુનર્વિચાર કરવાની અરજી દાખલ કરવાની તૈયારીમાં છે.
ભાજપના એક વરિષ્ટ નેતાએ કહ્યું હતું કે, ‘પશ્ચિમ બંગાળમાં હિંસા અને વક્ફ બિલને લઈને ફેલાવવામાં આવી રહેલા ખોટો પ્રચાર પણ ગંભીર મુદ્દો છે. જેમાં સાંપ્રદાયિક તણાવ વધી શકે છે, એટલા માટે તેમને પણ પ્રાથમિકતા પર ઉકેલવાની જરૂર છે.’
કેટલાક આંતરિક મુદ્દાઓની સાથો સાથ એક સંભાવિત કેબિનેટ વિસ્તરણ પર પણ ચર્ચાએ જોર પકડ્યું છે. જૂન 2024માં ત્રીજી વખત સરકાર બન્યા બાદ અત્યાર સુધીમાં કેન્દ્રીય મંત્રીમંડળમાં કોઈ મોટો ફેરફાર નથી થયો. આવનારા મહિનાઓમાં બિહાર અને પછી 2006માં તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. પાર્ટીના સૂત્રોનું કહેવું છે કે, આ રાજ્યોમાં નવા ચહેરાઓને કેબિનેટમાં જગ્યા આપવામાં આવી શકે છે.
પાર્ટી ટુંક સમયમાં કરી શકે છે નવા અધ્યક્ષની જાહેરાત
બુધવારે વડાપ્રધાન મોદીએ ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ અને પાર્ટીના સંગઠન મહાસચિવ બીએલ સંતોશ સાથે પણ મુલાકાત કરી, જેની માહિતી જાહેર નથી કરાઈ. પરંતુ આ બેઠક મંગળવારે અમિત શાહ અને રાજનાથ સિંહ દ્વારા પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા સાથે થયેલી મીટિંગના તુરંત બાદ થઈ, જેનાથી એ સંકેત મળી રહ્યા છે કે પાર્ટી ટુંક સમયમાં જ નવા રાષ્ટ્રીય અધ્યક્ષની જાહેરાત કરી શકે છે.