મુંબઈ : આવતા મહિનેથી ચીનના માલસામાન પર ફરી ટેરિફ લાગુ કરીને વેપાર તાણ વધારવા સામે ચીને અમેરિકાને જોરદાર ચેતવણી આપી છે. પૂરવઠા સાંકળમાંથી ચીનને બાકાત રાખવા અમેરિકા સાથે કરાર કરનારા દેશોને પણ ચીને વળતા પ્રહારની ચીમકી આપી છે.
ટેરિફ વોરને મુદ્દે અમેરિકા અને ચીન વચ્ચે અગાઉ સમાધાન થયું છે પરંતુ કેટલાક મુદ્દાઓ બાબત હજુ પણ અસ્પષ્ટતા પ્રવર્તી રહી છે જેને લઈને બન્ને દેશોના ટ્રેડરો તથા રોકાણકારો અસમંજસની સ્થિતિમાં છે.
૧૪ દેશો પર ૧લી ઓગસ્ટથી ટેરિફ લાગુ કરવાની અમેરિકાએ સોમવારે જાહેરાત કરી હતી. ઊંચા ટેરિફમાંથી બચવા વેપાર કરાર કરવા ચીનને ૧૨ ઓગસ્ટ સુધીની અમેરિકાએ મુદત આપી છે.
ચીનના માલસામાન પર અમેરિકામાં હાલમાં સરેરાશ ૫૧.૧૦ ટકા ટેરિફ વસૂલવામાં આવે છે જ્યારે અમેરિકાના માલ પર ચીન સરેરાશ ૩૨.૬૦ ટકા ડયૂટી વસૂલે છે. ચીનના સમાચારપત્ર પીપલ’સ ડેઈલીમાં પ્રકાશિત એક લેખમાં ચર્ચા અને સહકાર જ એક ખરો માર્ગ હોવાની નોંધ કરાઈ હતી. ટ્રમ્પના ટેરિફ એક બળજબરી છે એવો પણ લેખમાં પુનરોચ્ચાર કરાયો હતો.
ચીનને બાજુ પર મૂકીને ટેરિફમાં ઘટાડા કરવાનું વિચારતા દેશોની પણ લેખમાં ટીકા કરવામાં આવી છે. ટેરિફમાં રાહત મેળવી ચીનના હિતોનો ભોગ લેતા કરારનો ચીન સખત વિરોધ કરે છે. આવી સ્થિતિને ચીન સ્વીકારશે નહીં અને પોતાના હિતોનું રક્ષણ કરવા તે પ્રતિસાદ આપશે એવી ચીન દ્વારા ચેતવણી ઉચ્ચારવામાં આવી છે.