મુજપુર-ગંભીરા બ્રિજ અકસ્માતમાં અત્યાર સુધીમાં 20 નિર્દોષ લોકોના મોત નીપજ્યા છે. ત્યારે આજે શહેરમાં યોજાયેલ રોજગાર ભરતી મેળામાં ઉપસ્થિત જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે દુર્ઘટના અંગે પ્રતિક્રિયા આપી જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહીનું આશ્વાસન આપ્યું હતું.
આજે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર.પાટીલ વડોદરાની મુલાકાતે આવ્યા હતા. રેલ્વે દ્વારા આયોજિત રોજગાર મેળામાં નિમણૂક પત્ર એનાયત કરવાના કાર્યક્રમમાં તેઓ હાજર રહ્યા હતા. આ તકે તેમણે મીડિયા સાથેની વાતમાં બ્રિજ દુર્ઘટનાના દોષિતો વિરુદ્ધ કડક પગલાં લેવાની બાંહેધરી આપી હતી. સી.આર.પાટીલનું કહેવું હતું કે, દુર્ઘટના મામલે સરકારે જરૂરી પગલા ભરવાનું શરૂ કર્યું છે, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કેટલાક અધિકારીને સસ્પેન્ડ કર્યા છે, હું પણ તેમને વિનંતી કરીશ કે, દોષિત છટકી ન જાય તે માટે તમામ પગલાં ભરવા આગ્રહ કરીશ. અત્રે નોંધનીય છે કે, મુજપુર- ગંભીરા બ્રિજ અકસ્માતમાં મૃત્યુઆંક અત્યાર સુધીમાં 20 પર પહોંચી ગયો છે. એક વ્યક્તિ હજુ પણ લાપતા હોવાની આશંકાએ રેસક્યુ ઓપરેશન જારી છે.