Rahul Gandhi on Waqf Amendment Bill 2024: વક્ફ સુધારા બિલને સંસદે મંજૂરી આપી દીધી છે. લોકસભા બાદ રાજ્યસભામાં પણ વક્ફ સંશોધન બિલ 2025 પસાર કરવામાં આવ્યું હતું. જેમાં 128 સાંસદોએ બિલની તરફેણમાં મતદાન કર્યું હતું જ્યારે 95એ વિરોધ કર્યો હતો. પરંતુ વક્ફ બિલને લઈને કોંગ્રેસ અને અન્ય વિપક્ષ પાર્ટીઓ કેન્દ્ર સરકારની આલોચના કરી રહી છે. આ મામલે તેમનું કહેવું છે કે કાયદો મુસ્લિમ વિરોધી છે. તેમજ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ આ મુદ્દે સરકાર પર પ્રહાર કરી રહ્યા છે. વક્ફ બિલને લઈને રાહુલ ગાંધીએ X પર પોસ્ટ કરતાં લખ્યું હતું કે આ કાયદાને લઈને હાલ તો મુસ્લિમો પર નિશાન સાધ્યું છે, પરંતુ ભવિષ્યમાં બાકીના સમુદાયને પણ આ કાયદો અસર કરી શકે છે.’
રાહુલ ગાંધીએ સરકાર પર કર્યા પ્રહાર
રાહુલ ગાંધીએ વક્ફ બિલ પર પોતાનો વિરોધ દર્શાવતાં સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા, તેમજ તેમણે આ મામલે X પર પોસ્ટ કરતાં લખ્યું હતું કે, ‘મેં પહેલા જ કહ્યું હતું કે વક્ફ બિલ માત્ર મુસ્લિમોને જ નહીં પરંતુ અન્ય ધર્મોને પણ નિશાન બનાવવાનો માર્ગ મોકળો કરી શકે છે. હવે આરએસએસે ખ્રિસ્તી સમુદાય પર પણ ધ્યાન આપવાનું શરુ કર્યું છે. આવા સમયે આપણું બંધારણ જ આપણને આવા હુમલાઓથી બચાવી શકે છે અને તેનું રક્ષણ કરવું આપણા સૌની જવાબદારી છે.’
આ મામલે રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું હતું કે, ‘RSS, BJP અને તેમના સાથી પક્ષો દ્વારા બંધારણ પરનો આ હુમલો આજે મુસ્લિમોને નિશાન બનાવે છે, પરંતુ ભવિષ્યમાં અન્ય સમુદાયોને નિશાન બનાવવા માટે એક દાખલો બનશે.’
આ પણ વાંચો: ગ્રૂપ કેપ્ટન શુભાંશુ અંતરિક્ષમાં રચશે ઈતિહાસ, AX-4 મિશન હેઠળ મેમાં ભરશે ઉડાન
આ બિલ ધાર્મિક સ્વતંત્રતાના અધિકાર પર સીધો હુમલો
રાહુલ ગાંધીએ આ બિલની ટીકા કરતાં કહ્યું કે, ‘આ બિલ મુસ્લિમોને નબળા પાડવા અને તેમની સંપત્તિ અને ધાર્મિક અધિકારો છીનવી લેવાનો પ્રયત્ન છે. કોંગ્રેસ પાર્ટી આ કાયદાનો સખત વિરોધ કરે છે કારણ કે તે ભારતના મૂળભૂત વિચાર પર હુમલો કરે છે અને કલમ 25, ધાર્મિક સ્વતંત્રતાના અધિકારનું ઉલ્લંઘન કરે છે.’