ફરિયાદીના ડોક્યુમેન્ટનો ઉપયોગ કરી બારોબાર બોગસ વેચાણ દસ્તાવેજ બનાવી મકાન પચાવી પાડવાનો પ્રયાસ કરનાર પરિવારના ચાર સભ્યો સહિત પાંચ વિરુદ્ધ સમા પોલીસ મથકે વિશ્વાસઘાત તથા છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો.
ગોરવામાં રિફાઇનરી રોડ ઉપર પંચવટી બસ સ્ટેન્ડની સામે ઝવેરપાર્ક સોસાયટીમાં એ – 7માં રહેતા ધવલ મહેન્દ્રભાઈ પટેલ ખાનગી કંપનીમાં માર્કેટિંગ મેનેજર તરીકે નોકરી કરે છે. તેમણે ફરિયાદ નોંધાવી હતી કે, અમે રહીએ છીએ તે મકાન વર્ષ 2001માં મારા પિતાએ ખરીદ્યું હતું. અને પિતાના નિધન બાદ આ મકાન મારા તથા મારી માતા મંજુલાબેનના નામે કર્યું હતું. વર્ષ 2024માં મારા ઘરે ફાઇનાન્સ કંપનીના કર્મચારીઓએ આવી જણાવ્યું હતું કે, તમારું મકાન પાદરા ખાતે રહેતા વિશાલ મહેન્દ્રભાઈ પ્રજાપતિએ ખરીદ્યું હોય તેમણે મોર્ગેજ લોનની અરજી કરતા લોનની વેરિફિકેશન માટે આવ્યા છીએ. જેથી તપાસ કરતા મારું મકાન ખરીદનાર તરીકે વિશાલ મહેન્દ્ર ભાઈ પ્રજાપતિ (રહે- ખારકુવા ફળિયુ ,પાદરા) અને વેચાણ આપનાર તરીકે ભારતીબેન શાંતિલાલ પટેલ રહે – સત્યનારાયણ સોસાયટી, ગોરવા) તથા સમીર ખત્રી (રહે – વાઘોડિયા) હતા. વેચાણ દસ્તાવેજમાં મારી તથા મારી માતાની ખોટી સહીઓ કરી હતી. જ્યારે સાક્ષી તરીકે પિનાકીન શાંતિલાલ પટેલ તથા નિકિતા પિનાકીન પટેલ (બંને રહે- જય સત્યનારાયણ સોસાયટી, રિફાઇનરી રોડ ,ગોરવા) હતા. અત્રે નોંધનીય છે કે, આઈટી રિટર્ન માટે મેળવેલ ડોક્યુમેન્ટનો ખોટો ઉપયોગ કરી મકાનનો બારોબાર બોગસ વેચાણ દસ્તાવેજ કરી સમા સબ રજીસ્ટારની કચેરી ખાતે જમા કરાવી ફરિયાદીને રૂ.65 લાખ ચેકથી આપ્યા હોવાનો ખોટો ઉલ્લેખ કર્યો હતો. ઉક્ત ફરિયાદના આધારે સમા પોલીસે પરિવારના ચારેય સભ્યો તથા ખરીદનાર વિરુદ્ધ વિશ્વાસઘાત, છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી પિનાકીન પટેલ , સમીર ખત્રી અને વિશાલ પ્રજાપતિની ધરપકડ કરી હતી
નાનપણના મિત્રએ આઈટી રિટર્ન ભરવા માટે મેળવેલ ડોક્યુમેન્ટનો દુરુપયોગ કર્યો
ભારતી પટેલનો પુત્ર ચાર્ટડ એકાઉન્ટન્ટ પિનાકીન પટેલ ફરિયાદીનો નાનપણનો મિત્ર હોય ફરિયાદી અને તેની માતાનું આઈટી રિટર્ન ભરવાનું કામ કરતો હતો. જ્યારે સમીર ખત્રી પિનાકીન પટેલનો બનેવી છે. ફરિયાદી અને તેની માતાને સારી રીતે ઓળખતા હોવા છતાં બોગસ વેચાણ દસ્તાવેજમાં સાક્ષી તરીકે પિનાકીન અને તેની પત્ની નિકિતાએ સહીઓ કરી હતી. તેમજ મકાન ખરીદનાર વિશાલ અગાઉ ફરિયાદી સાથે નોકરી કરતો હતો.
ઝડપાયેલ ત્રણ આરોપીઓના પોલીસે બે દિવસના રિમાન્ડ મેળવ્યા
પોલીસે આ ગુનામાં સંડોવાયેલ આરોપીઓને આજરોજ કોર્ટમાં રજૂ કર્યા હતા. અને આરોપીઓના કોલ ડિટેલ , સીસીટીવી ફૂટેજ, વન્ડર ફાઇનાન્સમાંથી બોગસ દસ્તાવેજ અને ચેકબુક રિકવર કરવાના બાકી હોય તેમજ વોન્ટેડ આરોપીઓના સગડ મેળવવા આરોપીઓની પાંચ દિવસની પોલીસ કસ્ટડી માંગી હતી. કોર્ટે આરોપીઓના મંગળવાર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા.