Ahmedabad News: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવાતા સિમેન્ટના રોડ વારંવાર વિવાદમાં રહે છે. સિમેન્ટનો એકપણ રોડ નહીં તૂટે એવા દાવા વચ્ચે નવા વાડજ વોર્ડમાં છ મહિના પહેલા જ જોઈતારામ પટેલ હોલથી રાણીપ બલોલનગર તરફ જતાં સિમેન્ટના રોડ ઉપરની સરફેસ ઘસાઈ જતા ખાડા પડ્યા હતા. કોન્ટ્રાકટર વિજય ઇન્ફાકોન પાસે રોડનું સમારકામ કરાવાયું હતું. અંદાજે 17 કરોડ રૂપિયાના સિમેન્ટના રોડનો કોન્ટ્રાકટ મેળવનારા કોન્ટ્રાક્ટરને નોટિસ પણ અપાઈ છે.
રોડ ઉપરની સરફેસ ઘસાઈ ગઈ હોવાની ફરિયાદ ભાજપના જ કોર્પોરેટરે કરી
મળતી માહિતી અનુસાર, નવા વાડજ વોર્ડમાં ગત ઑગસ્ટ મહિનામાં અંદાજે ચાર કરોડ રૂપિયાના ખર્ચે કોન્ટ્રાક્ટર વિજય ઇન્ફાકોનને સિમેન્ટનો રોડ એક વર્ષમાં બનાવવા કામગીરી અપાઈ હતી. જોઈતારામ પટેલ હોલથી રાણીપ બલોલનગર તરફ જતા રોડ ઉપર બનાવાયેલા સિમેન્ટના રોડને તોડી તેનુ સમારકામ કરવાની ફરજ પડી છે. રોડ ઉપરની સરફેસ છ મહિનામાં જ ઘસાઈ ગઈ હોવાની ફરિયાદ ભાજપના જ કોર્પોરેટરે કરી હતી. આ ઉપરાંત કોર્પોરેટરે રોડની કામગીરી ધીમી ચાલી રહી હોવાની રજૂઆત પણ કરી હતી. જ્યારે રાણીપ પોલીસ સ્ટેશનથી મગનપુરાનજીક પણ સિમેન્ટનો રોડ બની ગયો છે. આ રોડ ઉપર પણ સરફેસ ઘસાઈ ગઈ હોવાની ફરિયાદ કોર્પોરેશનને મળી હતી. આ રોડ ઉપર પણ સમારકામ કરવાની ફરજ પડી છે.
આ પણ વાંચો: બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ, દાંતામાં બે કલાકમાં 4 ઈંચ વરસાદ
રોડ કમિટીના ચેરમેનના જણાવ્યાનુસાર, ‘આ બંને રોડ ડિફેક્ટ લાયેબિલિટી પીરિયડમાં હોવાથી કોન્ટ્રાકટરના ખર્ચે જ બંને રોડનું સમારકામ કરાવાયુ છે. આ બંને રોડ અંદાજિત રૂપિયા 17 કરોડ રૂપિયાના ખર્ચથી બનાવાયા હતા. નવા વાડજ અને રાણીપ બંને વોર્ડમાં નવા વાડજના જોઈતારામ પટેલ હોલથી રાણીપ બલોલનગર ચાર રસ્તા, રેલવે ઓવરબ્રિજ થઈને ન્યુ રાણીપ પ્રમુખ બંગલો સુધી અંદાજે બે કિલોમીટરના સિમેન્ટ રોડ બનાવવાનો કોન્ટ્રાકટ આ એક જ કોન્ટ્રાકટર પાસે છે. કોન્ટ્રાક્ટરની સાથે આર. કે. સી. નામની પી.એમ.સીને પણ નોટિસ અપાઈ છે.’
ગુરુકુળ અને જોધપુરમાં બનાવેલા રૂ. 18 કરોડના સિમેન્ટના રોડ તોડવા પડ્યા
ગુરુકુળ વિસ્તારમાં 11 કરોડ રૂપિયાના ખર્ચે કોન્ટ્રાકટર બી. આર. ગોયેલ દ્વારા સિમેન્ટ રોડ બનાવાયો હતો. જૂન 2023માં સિમેન્ટનો રોડ વપરાશ માટે શરુ કરવામાં આવ્યા પછી પાઇપલાઇન લીકેજ થવાના કારણે રોડ બનાવાયા પછી તેને તોડીને સમારકામ કરવા ફરજ પડી હતી. જોધપુર વિસ્તારના પ્રેરણાતીર્થ દેરાસર રોડ ઉપર પણ આજ કોન્ટ્રાક્ટર દ્વારા 7 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે સિમેન્ટ રોડ બનાવાયો હતો.
કોન્ટ્રાકટરે બેદરકારી દાખવીને ગટરના મુખ્ય ઢાંકણા ઉપર સિમેન્ટનો રોડ બનાવી દીધો હતો. તંત્રના અધિકારીઓને ખબર જ ન હતી કે બનાવાયેલા સિમેન્ટના રોડ નીચે ગટરના ઢાંકણા દબાઈ ગયા છે. છ મહિના અગાઉ બનાવાયેલા રોડ નીચે દબાયેલા 8 ગટરના ઢાંકણા બહાર કાઢવા ડ્રીલિંગ કામગીરી કરી રોડ તોડવો પડ્યો હતો.