Jamnagar : જામનગર જીલ્લા પંચાયતના પુર્વ સદસ્ય તેમજ જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના વડવાળા ગામના સરપંચ ઉપર હુમલાના પ્રકરણમાં ત્રણ આરોપીઓ સામે હુમલા તેમજ લૂંટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
જામનગર જીલ્લા પંચાયતના પુર્વ સદસ્ય તેમજ જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના વડવાળા ગામના સરપંચ રામશીભાઈ મેપાભાઈ બેરા ગઈકાલે રવિવારે સવારે પોતાની મોટર સાયકલ લઈ વડવાળાથી માનતા ઉતારવા ગયા હતા, જે દરમ્યાન પરત ફરતી વેળાએ વડવાળા ધોરીયાના માર્ગ ઉપર આડું બળદ ગાડું રાખી સરપંચ પદમાંથી રાજીનામું આપી દે, તેમ કહી બાલુભાઇ દેવાભાઈ મોરી, પ્રફુલ દેવાભાઈ મોરી તેમજ દિલાભાઈ દેવાભાઈ મોરી દ્વારા ગ્રામ પંચાયતની ચૂંટણીનો ખાર રાખી લાકડી તેમજ કુહાડી જેવા હથિયાર સાથે હુમલો કરાયો હતો.
દરમિયાન રામશીભાઇ દ્વારા પોતાની પાસે રહેલી રિવોલ્વરમાંથી સ્વ બચાવ માટે હવામાં ફાયરીંગ કરતાં તેઓની રિવોલ્વર પણ ઝુંટવીને હુમલો કરી તમામ હુમલાખોરો ભાગી છૂટ્યા હતા.
જેથી રામશીભાઈને હાથ અને પગમાં ઇજા થવાથી સારવાર માટે સૌપ્રથમ જામજોધપુરની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી, ત્યારબાદ તેઓને વધુ સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ હુમલો કરનાર આરોપીના માતાએ તાજેતરમાં રામશીભાઇ સામે ગ્રામ પંચાયતની ચુંટણી લડી હોવાનું અને તેમાં માતનો પરાજય થયો હોવાથી મનદુઃખ રાખીને આ હુમલો કરાયાનું સામે આવ્યું છે.
જેથી પોલીસે રામશીભાઈ બેરાની ફરિયાદના આધારે બાલુભાઈ મોરી, પ્રફુલ મોરી, તથા દીલાભાઇ મોરી સામે હુમલા તેમજ રિવોલ્વરની લૂંટ ચલાવવા અંગે ગુનો નોંધ્યો છે. તે ત્રણેય આરોપીઓ હાલ ભાગી છૂટ્યા હોવાથી જામજોધપુરના પોલીસ ઇન્સ્પેક્ટર એ.એસ.રબારી અને તેઓની ટીમ ત્રણેય આરોપીઓને શોધી રહી છે.