– પૂર્વ સાંસદ હરીભાઈ ચૌધરી અને ડેરીના પૂર્વ ડિરેક્ટર અણદાભાઈ પટેલનું પત્તુ કપાયું
– દાંતા બેઠક ઉપર બે ઉમેદવારો મેદાનમાં રહેતા સંભવત : ચૂંટણીની ઔપચારિકતા પૂર્ણ કરાશે : ડેરીના ચેરમેન પદે ત્રીજીવાર શંકરભાઈ ચૌધરી આરૂઢ થવાના સંજોગો
પાલનપુર : બનાસ ડેરીના નિયામક મંડળની ૧૬ બેઠકો માટે ચૂંટણીનું બ્યુગલ ફૂંકાયું હતું. સોમવારે ઉમેદવારીપત્રો પરત ખેંચવાના અંતિમ દિવસે બાકી રહેલી ૬ બેઠકો માટે ભાજપે પોતાના સત્તાવાર ઉમેદવારોની ઘોષણા કરી હતી. જેમાં બનાસકાંઠાના પૂર્વ સાંસદ હરીભાઈ ચૌધરી તેમજ ડેરીના પૂર્વ ડિરેકટર અણદાભાઈ પટેલનું પત્તુ કપાયું હતું. જેના પગલે અન્ય ઉમેદવારોએ ભાજપના સત્તાવાર ઉમેદવારોના સમર્થનમાં પોતાની દાવેદારી પરત ખેંચી લેતાં ૧૬ પૈકી ૧૫ બેઠકો બિનહરીફ થઈ હતી. જયારે એકમાત્ર દાંતા બેઠક ઉપર બે ઉમેદવારો ચુંટણીના મેદાનમાં રહેતા આ બેઠક માટે ચુંટણીની ઔપચારીકતા પૂર્ણ કરવામાં આવે તેવા સંજોગો છે.
બનાસ ડેરીની પ્રતિષ્ઠા ભરી જંગમાં આજે ઉમેદવારીપત્રો પરત ખેંચવાનો છેલ્લો દિવસ હતો. આ ચૂંટણીમાં શરૂઆતના તબક્કામાં ભાજપ સામે કેટલાક ભાજપના દિગ્ગજ ઉમેદવારોએ ડિરેક્ટરના પદ માટે ઉમેદવારી નોંધાવતા સમીકરણો બદલાયા હતા. જોકે, સમજાવાટના પરિણા સ્વરૂપ અગાઉ ૧૦ બેઠકો બિનહરીફ બની હતી. જયારે સોમવારે ઉમેદવારી પત્રો પરત ખેંચવાના અંતિમ દિવસે ભાજપે બાકીના છ ડિરેક્ટરો માટે પોતાના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરતા ચૂંટણી લડવા ઈચ્છુક એવા પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી તથા સહકારી માળખાના જુના જોગી અણદાભાઇ પટેલનું પત્તું કપાતા પાંચ સીટો ઉપર ભાજપના સત્તાવાર ઉમેદવારોના સમર્થનમાં હરીફ ઉમેદવારો એ પોતાની ઉમેદવારી પરત ખેંચી લેતાં ૧૫ બેઠકો બિનહરીફ જાહેર થયેલ છે. આગામી દિવસોમાં બનાસડેરીના નવીન ચેરમેન અને વાઇસ ચેરમેનની વરર્ણીમાં વર્તમાન ચેરમેન શંકર ચૌધરી હેટ્રીક બનાવે તેમ છે.
ત્રીજી વાર હેટ્રિક શંકરભાઈ ચૌધરી ચેરમેન પદે આરૂઢ થશે. જોકે, તે પહેલાં દાંતા બેઠક પર ગુંચવાયેલું કોકડું ઉકેલવામાં આવશે. પરંતુ બે ઉમેદવારો બાકી રહ્યા હોઈ ચુંટણી પ્રક્રિયા અનિવાર્ય બની જશે.
એક માત્ર દાંતા બેઠક પર બે ઉમેદવારો આમનેસામને
બનાસ ડેરીની દાંતા બેઠક ઉપર પાંચ ઉમેદવારી પત્રો ભરાયા હતા. જેમાં બે ઉમેદવારોએ અગાઉ પોતાની ઉમેદવારી પરત ખેંચી લેતા ત્રણ ઉમેદવારો મેદાનમાં રહ્યા હતા.ભાજપના સત્તાવાર ઉમેદવાર તરીકે પરમાર અમરતજી જાહેર થતાં તેઓના સમર્થનમાં એક ઉમેદવારે પોતાની ઉમેદવારી પરત ખેંચી હતી. હવે ઉમેદવારી પરત ખેંચવાની અંતિમ તારીખ બાદ ભાજપ સમર્થિત ઉમેદવાર સામે દિલીપસિંહ બારડનું ફોમ ચાલુ રહેતાં ચુંટણીની ઔપચારિકતા પૂર્ણ કરાશે.
વર્તમાન બે ડિરેકટર અને પૂર્વ કેન્દ્રિય મંત્રીનું પત્તું કપાયું
બનાસ ડેરીના નિયામક મંડળની ચૂંટણીમાં વર્તમાન ડિરેકટર અણદાભાઇ પટેલે કાંકરેજ બેઠક પર, દિનેશભાઇ ભટોળે વડગામ બેઠક પર અને પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઇ ચૌધરીએ પાલનપુર બેઠક પર ઉમેદવારી નોંધાવી હતી, પરતું ભાજપે આ વડગામ અને કાંકરેજ બેઠક પર નવા ચહેરા અને પાલનપુર બેઠક પર વર્તમાન ડિરેકટર ભરત પટેલને રિપિટ કરતા વર્તમાન બે ડિરેકટર અને પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઇનું પત્તું કપાતા સહકારી ક્ષેત્રના છૂપો અસંતોષ ફેલાયો હતો.