Vadodara Crime : વડોદરા શહેરમાં ધાક ધમકીના અલગ-અલગ વધુ બે બનાવો પોલીસ મથકના ચોપડે નોંધાયા છે. જેમાં શહેરના નવાપુરા વિસ્તારમાં આરોપીએ જાતે પોતાના શરીર ઉપર બ્લૅડના ઘા મારી ફરિયાદીને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપવા મામલે તથા દીકરી સાથે વાત કરાવવાનો ઇનકાર કરનાર પત્નીને પતિએ તલવારથી કાપી નાખવાની ધમકી મામલે ફરિયાદના આધારે પોલીસે આરોપીઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
શહેરના નવાપુરા વિસ્તારમાં આવેલ મુસ્લિમ મોહલ્લા ખાતે રહેતા ફરિયાદી મહિલા અને તેના પતિ ઘરની બહાર બેઠા હતા. તે સમયે મહોલ્લામાં રહેતો ઈરફાન ઉર્ફે રાજા પઠાણએ ફરિયાદીના પતિને “તું મારી સામે કેમ જુએ છે” તેમ કહી બંનેને અપશબ્દો બોલી ઝઘડો કર્યો હતો. અને અચાનક ઉશ્કેરાઈ જઈ ઈરફાન પઠાણે પોતાના ખિસ્સામાંથી બ્લેડ કાઢી જાતે પોતાના શરીરના હાથ, પગ તથા ગળાના ભાગે મારી ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. ઉપરોક્ત ફરિયાદના આધારે નવાપુરા પોલીસે આરોપી ઇરફાન પઠાણ વિરુદ્ધ બીએનએસ 351(2), 352 સહિતની કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બીજા કિસ્સામાં મૂળ મહારાષ્ટ્રની રહેવાસી અને હાલમાં વડોદરા રહેતી તથા બ્યુટીશન વ્યવસાય સાથે સંકળાયેલ 37 વર્ષીય મહિલાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, વર્ષ 2014 દરમિયાન મહિલાના લગ્ન હિમાંશુ મોરે (રહે-આર્યા ઇલાઇટ ડુપ્લેક્સ, અટલાદરા, વડોદરા) સાથે થયા હતા. લગ્નજીવન થકી સંતાનમાં એક દીકરી છે. પતિના અન્ય સ્ત્રી સાથે સંબંધ હોવાનું જણાવી નામદાર કોર્ટમાં છૂટાછેડા બાબતનો કેસ ચાલે છે. નામદાર કોર્ટે દીકરીની કસ્ટડી માતાને સોંપી છે. મહિલા દીકરી સાથે મુંબઈ શિફ્ટ થવા માંગતી હોય દીકરીના સ્કૂલ એડમિશન માટે મુંબઈથી પરત ફરતા સમયે ટ્રેનમાં પતિએ વીડિયો કોલ થકી દીકરી સાથે વાત કરવા જણાવતા ઇનકાર કરતા ઉશ્કેરાયેલ પતિએ અપશબ્દો બોલી “વડોદરા નહીં તો મુંબઈ આવીને તલવારથી કાપીને જાનથી મારી નાખીશ” તેવી ધમકી આપી હતી. ઉપરોક્ત ફરિયાદના આધારે અટલાદરા પોલીસે આરોપી વિરુદ્ધ બીએનએસ 351(3)મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.