ગાંધીનગર સ્પેશિયલ ઓપરેશન ગુ્રપનો દરોડો
જિલ્લામાં નશાકારક દવાઓના વેચાણ સંદર્ભે ચાલતી ડ્રાઇવ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી
ગાંધીનગર : ગાંધીનગર જિલ્લામાં હાલ નશાકારક દવાઓના વેચાણ સંદર્ભે પોલીસ
દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે સ્પેશિયલ ઓપરેશન ગુ્રપની ટીમ દ્વારા
માણસાના ચાંદીસણા ગામમાં દરોડો પાડીને મકાનમાંથી નશાકારક દવાઓના જથ્થા સાથે એક
શખ્સને ઝડપી લેવામાં આવ્યો હતો અને તેની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
છેલ્લા થોડા દિવસોથી ગાંધીનગર જિલ્લાના અલગ અલગ મેડિકલ
સ્ટોરમાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને નશાકારક દવાઓના ગેરકાયદેસર
વેચાણ અને અટકાવવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે ગાંધીનગર જિલ્લા
પોલીસ વડા રવિ તેજા વાસમસેટ્ટીની સૂચનાને પગલે સ્પેશિયલ ઓપરેશન ગુ્રપના પોલીસ ઇન્સ્પેક્ટર
વી.ડી વાળા અને એચ.આઈ ભાટીની ટીમો દ્વારા પણ જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં આ
પ્રકારના નશીલા દવાઓનો વેપાર કરતાં તત્વોને પકડવા માટે દોડધામ શરૃ કરવામાં આવી છે.
આ સ્થિતિમાં સ્પેશિયલ ઓપરેશન ગુ્રપની ટીમને બાતમી મળી હતી કે, માણસા તાલુકાના
ચાંદીસણા ગામમાં રહેતો જયેશ મનુભાઈ ઠક્કર નામનો વ્યક્તિ તેના ઘરે નસીલી દવાઓ રાખે
છે અને તેનું વેચાણ કરે છે. જે બાતમીના પગલે પોલીસ ટીમ દ્વારા તેના ઘરે દરોડો
પાડવામાં આવ્યો હતો અને જયેશ ઠક્કર હાજર મળી આવ્યો હતો. જેના ઘરમાંથી ગેરકાયદેસર
રીતે પાસ પરમિટ વગર કોડેઇનવાળી કફ સિરપની બોટલો તથા અલગ અલગ બ્રાન્ડની ટેબલેટ મળી
આવી હતી. જેના પગલે પોલીસ દ્વારા ૧૨,૬૧૭
રૃપિયાનો મુદ્દામાલ કબજે કરીને તેની સામે કલોલ તાલુકા પોલીસ મથકમાં એનડીપીએસ એક્ટ
હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જિલ્લામાં પોલીસ દ્વારા શરૃ કરવામાં આવેલી આ
ડ્રાઇવને પગલે નસીલા પદાર્થોને હેરાફેરી અને વેચાણ કરતાં તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો
છે.