અમદાવાદ,સોમવાર
સરસપુરમાં બે ભાઇ વચ્ચે ઘરખર્ચના રૃપિયાને લઇને તકરાર થઇ હતી જેમાં ઉશ્કેરાટમાં આવીને નાનાભાઇએ બેટના ફટકા મારીને મોટાભાઇને મોતને ઘાટ ઉતાર્યો હતો. લોહી લુહાણ બેભાન હાલતમાં યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન મોત થયું હતું. આ બનાવ અંગે શહેર કોટડા પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે
સરસપુરમાં ઘરખર્ચના રૃપિયા બાબતે બેટના ફટકા મારતાં બેભાન હાલતમાં સિવિલમાં સારવાર દરમિયાનમોત ઃ શહેરકોટડા પોલીસે હત્યાનો સામે ગુનો નોધીને આરોપીની અટકાયત કરીને તપાસ હાથ ધરી
સરસપુરમાં રહેતા વૃદ્ધાએ પોતાના નાના દિકરા સામે ફરિયાદ નોંધાવી છે કે તેમના બે પુત્ર કામધંધો કરતા ન હોવાથી અવાર નવાર ઘરખર્ચના રૃપિયા બાબતે તકરાર કરતા હતા. તા.૧૨ના રોજ રાતાના સમયે બન્ને પુત્રો ઘરે હતા. તે ઘરખર્ચના રૃપિયા બાબતે ઝઘડો થતા માતાએ વચ્ચે પડીને છોડાવ્યા હતા. બાદમાં માતા-પુત્રો સૂઇ ગયા હતા. જ્યારે બીજા દિવસે સવારે બંને ફરીથી ઝઘડો કરીને મારામારી કરવા લાગ્યા હતા. ત્યારે બુમાબુમ થતા આસપાસના પાડોશીઓએ આવીને મામલો થાળે પાડયો હતો અને ફરિયાદી વૃદ્ધાને તેમના ઘરે લઇ ગયા હતા.
દરમિયાન ફરીથી ભાઇઓ ફરીથી ઝઘડયા હતા જેમાં નાનાભાઇ બેટથી ફટકા મારીને લોહી લુહાણ કરીને ત્યાંથી ભાગી ગયો હતો. જ્યારે માતા ઇજાગ્રસ્ત મોટા પુત્રને સારવાર માટે બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. જ્યાં સારવાર દરમિયાન મોત થયું હોવાનું શહેર કોટડા પીઆઇ એમ.ડી.ચન્દ્રવાડીયાએ જણાવ્યું હતું.