Gold Monetization Scheme: નાણા મંત્રાલયે ગઈકાલે 25 માર્ચના રોજ ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમ હેઠળ મીડિયમ અને લોંગ ટર્મ ગવર્નમેન્ટ ડિપોઝિટને 26 માર્ચથી બંધ કરવાની જાહેરાત કરી હતી. આ નિર્ણય સ્કીમના પર્ફોર્મન્સ અને માર્કેટની બદલાતી પરિસ્થિતિની વ્યાપક સમીક્ષા બાદ લેવામાં આવ્યો છે.
વણવપરાયેલા સોનામાંથી કમાણીનો સ્રોત
ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમની શરુઆત 15 સપ્ટેમ્બર, 2015ના થઈ હતી. જેનો હેતુ દેશની સોનાની આયાત પર નિર્ભરતા ઘટાડવી અને ઘર તથા સંસ્થાઓ પાસે જમા તથા ઉપયોગમાં ન લેવાતાં સોના પર કમાણી કરવાનો છે. આ સ્કીમમાં ત્રણ કેટેગરી સામેલ છે. – શોર્ટ ટર્મ બૅન્ક ડિપોઝિટ (1-3 વર્ષ), મીડિયમ ટર્મ ગવર્નમેન્ટ ડિપોઝિટ (5-7 વર્ષ) અને લોંગ ટર્મ ગવર્નમેન્ટ ડિપોઝિટ (12-15 વર્ષ)
શું છે વ્યાજદર
રોકાણકાર પોતાના ઘરમાં ઉપયોગમાં ન લેવાતું સોનું બૅન્કો, કે માન્ય સંસ્થાઓ પાસે ડિપોઝિટ પેટે જમા કરાવી વ્યાજ મેળવી શકે છે. જેમાં મીડિયમ ટર્મ ડિપોઝિટ પર 2.25 ટકા અને લોંગ ટર્મ ડિપોઝિટ પર 2.50 ટકા સુધી વાર્ષિક વ્યાજ મળવાપાત્ર છે. જેમાં લઘુતમ 10 ગ્રામ સોનાની ડિપોઝિટ કરાવી શકે છે. જો કે, મીડિયમ ટર્મ અને લોંગ ટર્મ ડિપોઝિટ સ્કીમ બંધ થતાં હવે શોર્ટ ટર્મ ડિપોઝિટનો વિકલ્પ જ ઉપલબ્ધ છે.
આ પણ વાંચોઃ હવે ATM માંથી પૈસા ઉપાડવા મોંઘા પડશે, પ્રતિ ટ્રાન્ઝેક્શન આટલો ચાર્જ થશે, RBIની મંજૂરી
મીડિયમ અને લોંગ ટર્મ ડિપોઝિટ સ્વીકારાશે નહીં
કેન્દ્ર સરકારે ગઈકાલે કરેલી જાહેરાત હેઠળ મીડિયમ ટર્મ અને લોંગ ટર્મ ગવર્નમેન્ટ ડિપોઝિટ હેઠળ 26 માર્ચથી કોઈપણ સત્તાવાર કલેક્શન એન્ડ પ્યોરિટી ટેસ્ટિંગ સેન્ટર, ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમ ક્લેક્શન એન્ડ ટેસ્ટિંગ એજન્ટ તથા બૅન્ક શાખાઓમાં ડિપોઝિટ જમા કરાવી શકશે નહીં.
અગાઉથી જમા ડિપોઝિટનું રિડમ્પશન જારી
આ બંને કેટેગરીમાં અગાઉથી જમા ડિપોઝિટ વર્તમાન દિશા-નિર્દેશો અને આરબીઆઇના માસ્ટર ડાયરેક્શન અનુસાર રિડમ્પશન જારી રહેશે. નાણા મંત્રાલયે નિવેદન આપ્યું હતું કે, શોર્ટ ટર્મ બૅન્ક ડિપોઝિટનો વિકલ્પ ઉપલબ્ધ રહેશે. તેની ઉપલબ્ધતા સંબંધિત બેન્કની પ્રોફેશનલ સંભાવનાઓના આંકલન પર નિર્ભર રહેશે. આ સંદર્ભે ટૂંકસમયમાં દિશા-નિર્દેશ જાહેર થવાની અપેક્ષા છે.