વડોદરા, તા.15 વાઘોડિયા તાલુકાના દત્તપુરા ગામની જમીન વેચાણના બહાને રૃા.૮ કરોડની ઠગાઇ કરનાર રાજકોટનો ભેજાબાજ છ વર્ષ બાદ ઝડપાઇ ગયો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ દત્તપુરાની સંયુક્ત માલિકીની ખેતીની ૯ વિઘા જમીનનો રૃા.૩૫૧ ચો.ફૂ.ના ભાવથી રૃા.૮.૧૦ કરોડમાં વેચાણ કરવાનો સોદો નક્કી કર્યો હતો.
જમીન માલિકોને વાઘોડિયા મામલતદાર કચેરીમાં બોલાવી સબ રજિસ્ટ્રાર સમક્ષ દસ્તાવેજ પર ગરીબ ખેડૂતોના સહિ અને અઁગુઠા મરાવી લીધા હતા અને દસ્તાવેજ મુજબની રકમ ચેકથી આપવાનું નક્કી કરાયું હતું. એટલું જ નહી પરંતુ ૧૩૫-ડીની નોટિસો પર પણ સહિ અને અંગુઠા કરાવી લીધા હતાં.
જમીનના દસ્તાવેજો કરાવી લીધા બાદ એકપણ રકમ માલિકોને ચૂકવી ન હતી જે અંગે વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થતાં જમીન દલાલ વિમલ મનસુખભાઇ રાજાણી (રહે.હીરાશ્રી એપાર્ટમેન્ટ, સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર મુખ્ય માર્ગ સર્કલ, રાજકોટ) ફરાર થઇ ગયો હતો. છેલ્લા છ વર્ષથી ફરાર વિમલ રાજાણી રાજકોટમાં હોવાની માહિતીના આધારે જિલ્લાના પેરોલ ફર્લો સ્ક્વોડના માણસોએ રાજકોટમાં પહોંચી તપાસ કરતા હાલમાં તે નાના મોવારોડ પર ૪૦ ફૂટ રિંગરોડ પરના વ્રજ કોમ્પ્લેક્સમાં રહેતો હોવાનું જાણવા મળ્યું હતું.
પોલીસે મોડી રાત્રે તેના ફ્લેટમાં જઇ તેને ઝડપી પાડયો હતો. પોલીસ તપાસમાં એવું જાણવા મળ્યું હતું કે વિમલ રાજાણી અગાઉ સુરતમાં દલાલીનું કામ કરતો હતો પરંતુ ત્યાં પણ તેને ઠગાઇ કરતા તે વડોદરા આવ્યો હતો પરંતુ અહી પણ તેણે છેતરપિંડી કરતા તે અમદાવાદ અને રાજકોટમાં દલાલીનું કામ કરતો હતો. દર છ મહિને તે ભાડાનું મકાન બદલી નાંખતો હતો.