વડોદરા,પાદરાના ગંભીરા બ્રિજ ધરાશાયી થયા પછી સમગ્ર રાજ્યના બ્રિજની ચકાસણી શરૃ કરાઇ હતી. તે દરમિયાન રણોલી બ્રિજ પણ ભયજનક જણાતા તેના પરથી ભારદારી વાહનો પસાર થવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
૯ મી તારીખે પાદરા નજીક ગંભીરા બ્રિજ તૂટી પડતા ૨૦ લોકોના મોત થયા છે.જ્યારે હજી એક વ્યક્તિની ભાળ મળી નથી. આ દુર્ઘટનાના પગલે ગંભીરા બ્રિજ પરનો ટ્રાફિક રણોલી બ્રિજ તરફ ડાયવર્ટ કરવામાં આવ્યો છે. જેના પગલે વડોદરાના કાર્યપાલક એન્જિનિયર, ગાંધીનગરના કાર્યપાલક એન્જિનિયર તેમજ કન્સલ્ટન્ટ દ્વારા બ્રિજ પર વિઝિટ કરવામાં આવી હતી. તે દરમિયાન એવું અવલોકન કરવામાં આવ્યું હતું કે, વધારે પડતા વાહન વ્યવહારના કારણે બ્રિજને પણ નુકસાન થઇ શકે તેમ છે. તેમજ જાનહાની થવાની સંભાવના છે. જેના કારણે પોલીસ કમિશનરે જાહેરનામુ બહાર પાડી આ બ્રિજ ભારદારી વાહનોની અવર – જવર માટે બંધ કરી વૈકલ્પિક રૃટ જાહેર કર્યો છે.
નેશનલ હાઇવે – ૪૮ પર રણોલી ચોકડી થી રણોલી બ્રિજ પરથી પેટ્રોફિલ્સ ચોકડી, જી.આઇ.પી.સી.એલ. કંપની, રિલાયન્સ કંપની,કરચિયા ગામ, નંદેસરી જી.આઇ.ડી.સી.તરફ ભારદારી વાહનો જઇ શકે નહીં. ભારદારી વાહનો નેશનલ હાઇવે પદમલા બ્રિજ નીચેથી રણોલી રેલવે સ્ટેશન ફાટક થઇ,રણોલી બ્રિજ નીચેથી જઇ શકશે. એક તરફનો બ્રિજ ૩૩ વર્ષ જૂનો છે જ્યારે બીજી તરફનો બ્રિજ ચાર વર્ષ પહેલા જ બન્યો છે. જૂનો વર્ષ તોડીને નવો બનાવવાનું આયોજન પણ સરકાર દ્વારા કરવામાં આવ્યું છે.