– ટ્રાફિક ભારણ ઘટાડવા, ડાયવર્ઝનની કામગીરી માટે સૂચના
– સ્ટેટ હસ્તકના 10, પંચાયતના 57, સિંચાઈ- કાંસના 32 નાના- મોટા પુલનું નિરીક્ષણ
આણંદ : આણંદ જિલ્લામાં માર્ગ ઉપર બનેલા ૧૦૯ જેટલા નાના- મોટા પુલોની ચકાસણી કરાઈ છે. ત્યારે બ્રિજમાં રિપેરિંગ, પેચવર્ક, ટ્રાફિક ભારણ ઘટાડવા કે ડાયવર્ઝન આપવા સહિતની કામગીરી આગામી સમયમાં શરૂ કરાશે.
આણંદ શહેર અને જિલ્લામાં તમામ બ્રિજની ઝૂંબેશના સ્વરૂપે ચકાસણી કરવામાં આવી રહી છે. કલેક્ટરના આદેશ બાદ જુદી જુદી ટીમોની રચના કરવામાં આવી છે. બાદમાં જિલ્લામાં તમામ પૂલોની ચકાસણી પછી આપવામાં આવેલા અહેવાલને અનુરૂપ કામગીરી કરવામાં આવશે.
આણંદ જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ હસ્તકના ૧૦, પંચાયત હસ્તકના ૫૭ જેમાં ૪ મેજર તથા ૬ માઈનોર કક્ષાના ઉપરાંત સિંચાઈ અને કાંસ વિભાગ હસ્તકના ૩૨ જેટલા નાનામોટા એમ કુલ ૧૦૯ જેટલા બ્રિજનું વિવિધ ટીમો દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
મેજર અને માઇનોર પ્રકારના પૂલોની ચકાસણીમાં ગાંધીનગરથી ડિઝાઈન સર્કલ ઓફિસર સ્ટ્રકચરલ એન્જિનિયર પણ ચકાસણીમાં જોડાયા હતા. નાયબ કલેક્ટરના નેતૃત્વમાં ટીમોનું ગઠન કરવામાં આવ્યું હતું. જેમાં માર્ગ અને મકાન વિભાગના ઈજનેરોને સામેલ કરી વિવિધ પાસાઓને ધ્યાને રાખી બ્રિજની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. આ અહેવાલમાં કોઇ બ્રિજમાં રિપેરિંગ, વેજીટેશન, પેચવર્ક, ટ્રાફિક ભારણ ઘટાડવા, ભારે વાહનોને ડાયવર્ઝન આપવા સહિતની બાબતોની ભલામણો કરવામાં આવી છે. તે મુજબની કામગીરી આગામી દિવસમાં કરવામાં આવશે.