Jamnagar Mobile Theft : જામનગર તાલુકાના મોટી લાખાણી ગામ તેમજ રણજીતપર ગામમાં વાડી વિસ્તારમાંથી ચાર શ્રમિકોના પાંચ નંગ મોબાઈલ ફોન ચોરી થઈ ગયાની ફરિયાદ પંચકોશી એ. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવવામાં આવી હતી, જે ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો છે, અને એલસીબીની ટુકડીએ ચોરાઉ મોબાઇલ સાથે એક તસ્કરને ઝડપી લીધો છે.
જામનગર તાલુકાના રણજીતપર ગામમાં એક વાડીમાં રહીને મજૂરી કામ કરતા મૂળ મધ્ય પ્રદેશના સોરબત કલમસિંઘ અજનાર નામના આદિવાસી યુવાન અને તેની સાથે જ મજૂરી કામ કરતા વિશ્રામભાઈ વગેરેના કુલ ત્રણ નંગ મોબાઈલ ફોનની ચોરી થઈ હતી, જે અંગે પંચકોસી એ. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
આ ઉપરાંત મોટી લાખાણી ગામમાં રહીને મજુરી કામ કરતા મડુંભાઈ સોમસિંગ બામણીયા કે જેઓના ત્રણ નંગ મોબાઈલ ફોનની ચોરી થઈ હતી જે અંગે પણ પોલીસ ફરિયાદ નોંધાવાઈ હતી. દરમિયાન એલસીબીની ટુકડી હરકતમાં આવી હતી અને રણજીતપર ગામમાં જ રહીને ખેત મજૂરી કામ કરતા મૂળ મધ્યપ્રદેશના વતની અતરિયો વાલસીંગભાઇ ડાવર નામના 21 વર્ષના આદિવાસી શખ્સની અટકાયત કરી લીધી છે અને તેની પાસેથી પાંચ નંગ ચોરાઉ મોબાઇલ ફોન કબજે કરી લીધા છે.