– મોટા ભાગના ગામોમાં ઉપસરપંચ બિનહરીફ જાહેર
– તા. 17 થી 21 મી દરમિયાન 92 ગ્રામ પંચાયતોમાં ઉપસરપંચની ચૂંટણીઓ યોજાશે
આણંદ : આણંદ જિલ્લાની ૧૫૮ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાયા બાદ સરપંચોની નિયુક્તિ થઈ ગઈ છે. ત્યારે જિલ્લામાં ૬૬ ગ્રામ પંચાયતોમાં ઉપસરપંચની ચૂંટણીઓ પૂર્ણ થઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે. તા. ૧૭થી ૨૧મી જુલાઈ દરમિયાન ૯૨ ગ્રામ પંચાયતોમાં ડેપ્યુટી સરપંચની ચૂંટણીઓ યોજવાનો ધમધમાટ શરૂ થઈ ગયો છે.
આણંદ જિલ્લામાં ૮ પૈકી ૭ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં ભાજપનું શાસન છે.
જેથી મોટાભાગની ગ્રામ પંચાયતોમાં ઉપસરપંચોની નિયુક્તિ બાકી છે.
ત્યારે પેટલાદની ૨૬, સોજીત્રાની ૧૬, તારાપુરની ૧૮ અને ઉમરેઠની ૬ મળીને કુલ ૬૬ ગ્રામ પંચાયતોમાં ઉપસરપંચની ચૂંટણીઓ તા. ૧૫ અને ૧૬ જુલાઈએ યોજાઇ હતી. ચૂંટણીઓ તાલુકા પંચાયત અને મામલતદારના અધિકારીઓએ કરાવી હતી. જેમાં ૬૬ ગ્રામ પંચાયત પૈકી મોટા ભાગના ગામોમાં ઉપસરપંચ બિનહરીફ જ વિજેતા જાહેર થયા હતા.
ચૂંટણી પંચના કાર્યક્રમ મુજબ હવે તા. ૧૭મીએ પેટલાદ તાલુકાની ૭, ખંભાતની ૧૦, ઉમરેઠની ૬ મળીને કુલ ૨૩ ગ્રામ પંચાયતમાં જ્યારે તા. ૧૮મીએ ખંભાતના ૧૦, બોરસદની ૧૯, આંકલાવની ૭, આણંદના ૯ મળીને ૪૫ ગ્રામ પંચાયત તેમજ તા. ૧૯મીના રોજ બોરસદની ૪, આંકલાવની ૭, આણંદની ૮ મળીને ૧૯ ગ્રામ પંચાયત અને છેલ્લે તા. ૨૧મીએ આંકલાવની પાંચ ગ્રામ પંચાયતોમાં ઉપસરપંચની ચૂંટણીઓ યોજાશે.
ભાજપે જીતેલા સરપંચોનો સ્નેહમિલન કાર્યક્રમ પણ યોજ્યો હતો
ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં અમારો કોઈ ઉમેદવાર નથી તેવી પ્રતિક્રિયાઓ આપતા ભાજપના નેતાઓએ મત ગણતરીના દિવસથી જ જીતેલા ઉમેદવારોને ફૂલહાર પહેરાવીને પોતાના જ છે તેવું સાબિત કરવા માંડયું હતું. ત્યારબાદ આણંદ કમલમમાં પણ જિલ્લાના તમામ જીતેલા સરપંચો ભાજપના સમથત છે તેવું જણાવીને સ્નેહમિલન સમારંભ પણ કર્યો હતો. મુખ્યમંત્રીના સરપંચના સન્માન સમારંભમાં ગાડીઓ કરીને તમામ સરપંચોને ગાંધીનગર પણ મોકલી આપ્યા હતા.