વડોદરા શહેરમાં બારે મહિના પાણીનો કકડાટ રહે છે. ત્યારે મ્યુ. કમિશનરે પરિસ્થિતિનો તાગ મેળવી 2050 સુધીની વસ્તીને ધ્યાનમાં રાખી નવા પાણીના સ્ત્રોત ઊભા કરવા રાજ્ય સરકાર તરફથી લીલીઝંડી મળી હોય કોર્પોરેશને આ અંગે થનાર ખર્ચ હેતુ સરકાર પાસેથી તબક્કાવાર રૂ. 1840 કરોડની માંગણી કરવામાં આવી છે

મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ દ્વારા પાણી વિતરણના વિવિધ સ્ત્રોતની વૃદ્ધિ માટે વર્ષ 2050 સુધીની વસ્તીને ધ્યાનમાં રાખી આગામી 5 વર્ષમાં કરવા પાત્ર કામોનો અહેવાલ વડોદરા સર્કિટ હાઉસ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સમક્ષ રજૂ કર્યા બાદ વિસ્તૃત અહેવાલ પ્રિન્સિપલ સેક્રેટરીને મોકલતા પ્રપોઝલને મંજૂરી મળી હતી. પૂર્વ ઝોનમાં આજવા સરોવર – મહીસાગર નદી, પશ્ચિમ ઝોનમાં મહીસાગર નદી – નર્મદા કેનાલ , ઉત્તર ઝોનમાં મહીસાગર નદી અને દક્ષિણ ઝોનમાં મહીસાગર નદી – નર્મદા કેનાલમાંથી હાલ પ્રતિ દિવસ 750 મિલિયન લીટર આવકની ક્ષમતા વધારી 1495 મિલિયન લિટર પ્રતિ દિવસ કરાશે. પૂર્વ ઝોનમાં નિમેટા ખાતે 50 અને 75 એમએલડીના બે તથા પોઇચા ખાતે 100 એમએલડીનો પ્લાન્ટ, પશ્ચિમ ઝોનમાં દોડકા 50 એમએલડી, સીંધરૉટ 150 એમએલડી, ખાનપુર 75 એમએલડી, ઉત્તર ઝોનમાં અનગઢ 150 એમએલડી, રાયકા 75 એમએલડી, દક્ષિણ ઝોનમાં કપૂરાઈ 200 એમએલડી વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું આયોજન છે. પૂર્વ ઝોનને મહીસાગર નદી મારફત એક સ્વતંત્ર સ્ત્રોત, ઉત્તર ઝોનને નવો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ , દક્ષિણ ઝોનને નવો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ મળશે.