વડોદરા શહેરમાં સંબંધોને ધર્મસાર કરતી ઘટના સામે આવી છે. જેમાં 45 વર્ષના કાકાએ 11 વર્ષની માસૂમ ભત્રીજીને પીંખી નાખી હતી. આ ઘટના કાકાના 47 મિત્રએ જોઈ જતા તેણે પણ ગેરલાભ ઉઠાવી સગીરા ઉપર દુષ્કર્મ આચર્યું હતું. આ અંગેની જાણ પોલીસને થતા બનાવની ગંભીરતાને ધ્યાને લઈ તાત્કાલિક એક્શનમાં આવી બંને આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઘટનાથી લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ, શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં રહેતા અને મચ્છીનો વેપાર કરતા પરિવારની 11 વર્ષની પુત્રી અભ્યાસ કરે છે. ગઈ તારીખ 18 જુલાઈના રોજ સાંજે 7 વાગ્યે સગીરા ઘરની સામે જ રહેતા કાકાના ઘરે ગઈ હતી. જ્યાં એકલતાનો લાભ ઉઠાવી કાકાએ ભત્રીજી ઉપર બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. કાકાનો મિત્ર સતીશ કહાર ઘટના નિહાળતા હું બધાને જાણ કરી દઈશ તેવી ધમકી આપી તેણે પણ સગીરા ઉપર બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. હવસના ભૂખ્યા નરાધમોએ સગીરાને હવસનો શિકાર બનાવી કોઈને કહીશ નહીં તેમ કહી મામલો સમેટવા પ્રયાસ કર્યો હતો, જો કે, ડઘાઈ ગયેલ સગીરાએ માતા સમક્ષ હકીકત વર્ણવતા માતાના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. અને આ અંગે રાવપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે પોકસો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી ગણતરીના કલાકોમાં બંને આરોપીને દબોચી લીધા હતા. બંને આરોપીઓ વિરુદ્ધ અગાઉ પ્રોહિબિશનના ગુના નોંધાઈ ચૂક્યા છે. કાકાછૂટક મજૂરી અને સતીશ મચ્છીનો વેપાર કરે છે. પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા ન્યાયાધીશએ આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ જેલમાં મોકલી આપવાનો હુકમ કર્યો હતો. તો બીજી તરફ પોલીસે કેસના પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરી છે.