– બે શખ્સોની અટકાયત સાથે 4 વિરૂદ્ધ ગુનો
– ટેમ્પા અને ડાલામાંથી 333 પેટી દારૂ મળ્યો : રૂા. 24.08 લાખનો મુદ્દામાલ જપ્ત
આણંદ : ચિખોદરા ગામના ધડસા પુરા વિસ્તારમાં આણંદ ગ્રામ્ય પોલીસે ગતરોજ છાપો મારીને બે અલગ અલગ જગ્યાએ છુપાવી રાખેલ વિદેશી દારૂની ૩૩૩ નંગ પેટીઓ સાથે બે શખ્સોને ઝડપી પાડયા હતા પોલીસે કુલ રૂપિયા ૨૪.૦૮ લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આણંદ પાસેના ચિખોદરા ગામના ધડસા પુરામા રહેતો રાજેશ ઉર્ફે રાજુ વિઠ્ઠલભાઈ પરમાર અને રાસનોલ ગામે રહેતો વિષ્ણુભાઈ સુરેશભાઈ જાદવે મોટા પાયે વિદેશી દારૂનો જથ્થો મંગાવ્યો છે અને ચંદ્રકાંત રમણભાઈ પરમાર તથા કલ્પેશ અરવિંદભાઈ પરમારના ઘર પાછળ સંતાડયો હોવાની માહિતી આણંદ ગ્રામ્ય પોલીસને મળી હતી. જેથી પોલીસની ટીમે ધડસા પુરા ખાતે ઓચિંતો છાપો મારતા ઘરમાલિક ચંદ્રકાંત રમણભાઈ ઉર્ફે દિલીપભાઈ પરમાર ઝડપાયો હતો. પોલીસે તેને સાથે રાખી તાડપત્રી બાંધેલા ટેમ્પામાં તપાસ કરતા પ્લાસ્ટિકની ગુણોમાં વિદેશી દારૂની પેટીઓ મળી આવી હતી.
જગ્યાથી થોડીક દૂર આવેલા કલ્પેશના ઘર પાછળથી પોલીસને એક પીકઅપ ડાલામાંથી ૬૦ ગુણમાં સંતાડેલો વિદેશી દારૂના ૮૦૦૦થી વધુ કવાટરીયા મળી આવ્યા હતા. પોલીસે કલ્પેશભાઈ અરવિંદભાઈ પરમાર રહે. ધડસા પુરાવાળાને પણ ઝડપી પાડયો હતો.
પોલીસે બંને વાહનોમાંથી રૂા. ૧૫.૯૮ લાખના વિદેશી દારૂના ક્વાટરિયાની ૩૩૩ નંગ પેટીઓ કબજે લીધી હતી.
બંનેને દારૂના જથ્થા અંગે પૂછતા દારૂનો જથ્થો રાજેશ ઉર્ફે રાજુ વિઠ્ઠલભાઈ પરમાર રહે. ધડસા પુરા અને વિષ્ણુભાઈ સુરેશભાઈ જાદવ રહે. રાસનોલ ગઈકાલ રાત્રિના સુમારે મૂકી ગયા હોવાનું અને તેમના કહેવાથી આ બંને વાહનોની તેઓ દેખરેખ રાખતા હોવાની કબુલાત કરી હતી. પોલીસે વિદેશી દારૂ તથા વાહનો મળી કુલ રૂપિયા ૨૪.૦૮ લાખનો મુદ્દામાલ કબજે લઈ કુલ ચાર શખ્સો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.