Ahmedabad News: અમદાવાદના વાસણામાં એક ચૌંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક પરિણીત મહિલાને તેની જ મહિલા મિત્ર દ્વારા લગ્ન કરવા અને શારીરિક સંબંધો બાંધવા માટે સતત દબાણ કરી રહી હતી. આખરે પરિણીત મહિલાએ અભયમ 181 મહિલા હેલ્પલાઈનની મદદ લેવાની ફરજ પડી હતી. અભયમની ટીમે અસરકારક કાઉન્સિલિંગને કારણે આ સમગ્ર મામલો થાળે પડ્યો અને એક મહિલા માનસિક ત્રાસમાંથી મુક્ત કરવી હતી.
ડિવોર્સી મહિલાને નોકરી દરમિયાન થઈ મિત્રતા
મળતી માહિતી અનુસુરા, પીડિત મહિલાના અગાઉ લગ્ન થઈ ચૂક્યા છે અને તેમના ડિવોર્સને આશરે ચાર વર્ષ વીતી ગયા છે. પોતાના જીવનનિર્વાહ માટે આ મહિલા એક કંપનીમાં નોકરી કરી રહ્યા છે. આ નોકરી દરમિયાન જ તેમનો સંપર્ક એક સહકર્મી મહિલા મિત્ર સાથે થયો. ધીમે ધીમે તેમની વચ્ચે મિત્રતા ગાઢ બની અને બંને એકબીજાના ઘરે આવવા-જવા લાગ્યા.
મૈત્રી સંબંધોમાં જબરજસ્તી અને દબાણ
જો કે, આ મૈત્રી સંબંધોની પાછળ એક અલગ જ દ્રષ્ટિકોણ છુપાયેલો હતો. પીડિતાની આ મહિલા મિત્ર લેસ્બિયન (સમલૈંગિક સ્ત્રી) હોવાનું સામે આવ્યું છે. મિત્રતામાં લેસ્બિયન મહિલાએ માની લીધું હતું કે પીડિતા પણ તેની સાથે પ્રેમ સંબંધમાં છે. આ ઉપરાંત લેસ્બિયન મિત્રને એમ પણ લાગવા માંડ્યું હતું કે પીડિતાનો પરીવાર પણ આ સંબંધ માટે સંમત હશે. પરંતુ પરિસ્થિતિ ત્યારે વણસી જ્યારે લેસ્બિયન મહિલાએ એક દિવસ પીડિતા પર શારીરિક સંબંધો રાખવા માટે દબાણ કર્યું. આ ઘટનાથી પીડિતાને આઘાત લાગ્યો અને તેને સમજાયું કે તેની મિત્ર તેની સાથે ખોટો વ્યવહાર કરી રહી છે. લેસ્બિયન મિત્ર સતત શારીરિક સંબંધોની માંગણી કરવા લાગી, જેનો પીડિતાએ સ્પષ્ટ ઈનકાર કર્યો, તેમ છતાં લેસ્બિયન મિત્રનું દબાણ સતત ચાલુ રહ્યું.
આ પણ વાંચો: અમદાવાદમાં ગર્ભવતી પરિણીતાએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, લગ્નના 7 મહિનામાં જ આપઘાત
અભયમ 181 બન્યું સંકટમોચક
સતત દબાણ અને માનસિક ત્રાસથી કંટાળીને પીડિતા મહિલાએ તાત્કાલિક અભયમ 181 મહિલા હેલ્પલાઇનનો સંપર્ક કર્યો અને મદદ માંગી. અભયમની ટીમે મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તુરંત જ વાસણા ખાતે દખલગીરી કરી. ટીમ દ્વારા બંને મહિલાઓનું વિગતવાર કાઉન્સિલિંગ કરવામાં આવ્યું. આ દરમિયાન લેસ્બિયન મહિલાને સ્પષ્ટપણે કાયદાકીય અને સામાજિક દ્રષ્ટિકોણથી સમજાવવામાં આવ્યું કે કોઈ પણ વ્યક્તિ પર તેની મરજી વિરુદ્ધ સંબંધ રાખવા માટે દબાણ કરવું એ કાયદાકીય ગુનો છે. સઘન સમજાવટ બાદ આખરે લેસ્બિયન મહિલાને પોતાની ભૂલ સમજાઈ અને તેણે કબૂલાત કરી કે હવે પછી તે પીડિતા મહિલા સાથે કોઈ પણ પ્રકારના સંબંધો નહીં રાખે કે દબાણ નહીં કરે.