Valsad News : સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ફરી ભારે વરસાદી માહોલ છે, ત્યારે રવિવારે (28 સપ્ટેમ્બર) દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, સુરત જિલ્લામાં અતિભારે વરસાદને લઈને હવામાન વિભાગે રેડ ઍલર્ટ જાહેર કર્યુ છે. જેમાં વલસાડમાં ધોધમાર વરસાદ થઈ રહ્યો છે, ત્યારે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. જેને લઈને જિલ્લા કલેક્ટરે આવતીકાલે સોમવારે (29 સપ્ટેમ્બર) જિલ્લાની તમામ આંગણવાડી, પ્રાથમિક-માધ્યમિક અને ઉ.મા. શાળાઓમાં રજા જાહેર કરી છે. જ્યારે મધુબન ડેમમાંથી આજે સાંજે 4:30 વાગ્યે 2.50 લાખ ક્યુસેક પાણી છોડવાનું છે, ત્યારે નદી તટના વિસ્તારોને ઍલર્ટ કરાયા છે.
આવતીકાલે આંગણવાડી- શાળાઓમાં રજા
વલસાડ જિલ્લાના અનેક સ્થળોએ ભારે વરસાદને લઈને અનેક પાણી ભરાયા છે. જ્યારે હજુ પણ ભારે વરસાદની આગાહી છે, ત્યારે જિલ્લા કલેક્ટરે બાળકોની સલામતીને ધ્યાનમાં રાખીને આંગણવાડી- શાળાઓમાં રજા જાહેર કરી છે, આ મામલે સોશિયલ મીડિયામાં જાણકારી આપી છે.
આ પણ વાંચો: ખેલૈયાઓ માટે ચિંતાજનક અહેવાલ, 10 જિલ્લામાં ભારે વરસાદનું રેડ એલર્ટ, વાંચો લેટેસ્ટ આગાહી
મધુબન ડેમમાંથી પાણી છોડાશે, નદી તટના વિસ્તારોને ઍલર્ટ
વલસાડ જિલ્લાના મધુબન ડેમમાંથી આજે સાંજે 4:30 વાગ્યે 2.50 લાખ ક્યુસેક પાણી તબકકાવાર છોડાશે. જેથી વાપી, કપરાડા, ઉમરગામ તાલુકાના દમણગંગા નદીના વહેણવાળા વિસ્તારમાં કોઈ અવરજવર ન કરવા તેમજ તકેદારી રાખવા વલસાડ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.
કપરાડામાં 3 ઇંચ વરસાદ
વરસાદમાં આજે (28 સપ્ટેમ્બરે) સવારે 6 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધીમાં કપરાડામાં 3 ઇંચ, પારડીમાં 1.54 ઇંચ, ઉમરગામમાં 1.46 ઇંચ, ધરમપુર, વલસાડ અને વાપી તાલુકામાં 1-1 ઇંચ વરસાદ ખાબક્યો છે.