– આણંદ હાનગરપાલિકા દ્વારા કાર્યવાહી
– લાઈસન્સ વગર ચાલતા માહી પ્યોર વૉટર અને શાયોના ચિલ્ડ વૉટરના ટાંકામાં મચ્છરો મળ્યા
આણંદ : કરમસદ વેસ્ટ ઝોનમાં પાણીના જગ સપ્લાય કરતા માહી પ્યોર વૉટર અને શાયોના ચિલ્ડ વૉટરમાં પાલિકાની ટીમે આકસ્મિક તપાસ કરતાં ટાંકામાં મચ્છર દેખાતા સીલ કરાયા છે. બંને એકમો ગુમાસ્તાધારા અને પ્લાન્ટના લાઈસન્સ વગર ચાલતા હતા.
આણંદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ તેમજ કરમસદ વેસ્ટ ઝોન સેનેટરી વિભાગ દ્વારા કરમસદ વેસ્ટ ઝોનમાં માહી પ્યોર વોટર તેમજ શાયોના ચિલ્ડ વોટર પાણીના જગ સપ્લાય કરતા બંને એકમ પર આકસ્મિક તપાસણી કરતા ઘણી ક્ષતિઓ જોવા મળી છે.
જેમાં પાણીના ટાંકા સફાઈ કરેલા ન હતા, પાણીના ટાંકામાં માટી જણાઈ આવી તેમજ ટાંકીમાં મચ્છર દેખાતા માહી પ્યોર વોટર તેમજ શાયોના ચિલ્ડ વોટરને આણંદ મહાનગરપાલિકાની ટીમ દ્વારા સીલ કરવામાં આવ્યા છે. ઉપરાંત આ બંને એકમો પાસે ગુમાસ્તા ધારાનું લાઇસન્સ તેમજ પ્લાન્ટનું લાઇસન્સ ના હોવાથી આણંદ મહાનગરપાલિકાની ટીમ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આણંદ મહાનગર પાલિકાની આરોગ્ય અને સેનેટરી વિભાગની ટીમ દ્વારા આગામી દિવસોમાં મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ આવા એકમો ખાતે ઝુંબેશ સ્વરૂપે તપાસણી હાથ ધરાશે.