Jamnagar: જામનગરમાં ગુલાબનગર નજીક પ્રભાતનગર વિસ્તારમાં એક કરુણ ઘટના સામે આવી છે, જ્યાં શાક બળી જવા જેવી સામાન્ય બાબતમાં થયેલા ઝઘડામાં એક પતિએ પોતાની ગર્ભવતી પત્નીને સાવરણી વડે પેટના ભાગે માર મારતાં ગર્ભમાં રહેલા બાળકનું મૃત્યુ થયું છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે.
31 વર્ષીય મનિષાબેન લક્ષ્મણભાઈ સોલંકીએ જામનગરના સિટી એ. ડિવિઝન પોલીસ મથકમાં પોતાના પતિ લક્ષ્મણ સોમાભાઈ સોલંકી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ અનુસાર, મનિષાબેન પાંચ મહિનાના ગર્ભવતી હતા. તેમણે બનાવેલું શાક બળી જતાં તેમના પતિ લક્ષ્મણ સોલંકી ઉશ્કેરાઈ ગયા હતા અને ઘરમાં પડેલી સાવરણી લઈને મનિષાબેનના પેટમાં ત્રણ-ચાર ઘા માર્યા હતા. ત્યારબાદ તેમને ધક્કો મારીને પાડી દીધા હતા, જેના કારણે ગર્ભમાં રહેલા બાળકનું મૃત્યુ થયું હતું.
આ બનાવ અંગે દરબાર ગઢ પોલીસ ચોકીના પીએસઆઈ વી.આર. ગામેતીએ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે ઇજાગ્રસ્ત મનિષાબેનને જી.જી. હોસ્પિટલના ગાયનેક વિભાગમાં સારવાર આપવામાં આવી રહી છે.