Health workers’ protest : ગુજરાતના આરોગ્યકર્મીઓનું આંદોલન આજે પણ યથાવત્ છે. બુલડોઝર સરકાર દ્વારા ગુરુવારે ગાંધીનગરની કિલ્લાબંધી કરી આરોગ્યકર્મીઓને અટકાવવાનો પ્રયાસ કરાયો હતો અને 1000થી વધુ આંદોલનકારીઓની અટકાયત કરવામાં આવી છે. ગુરુવારે સાંજે 7:30 વાગે આંદોલનકારીઓએ મીણબત્તી વડે પ્રકાશ ફેલાવી ભૂપેન્દ્ર પટેલની ભાજપ સરકાર સામે કર્મચારીઓએ બળવો પોકાર્યો હતો. આરોગ્યકર્મીઓના આંદોલનનું એક તણખલું આગ બની શકે છે. આરોગ્યકર્મીઓ પોતાની માગ પર અડગ છે. સરકારને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે ‘જ્યાં સુધી ઠરાવ નહીં થાય, ત્યાં સુધી આંદોલન યથાવત્ રહેશે. પડતર માંગો ન સંતોષાતા આરોગ્યકર્મીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.
આરોગ્યમંત્રીની ચિમકી: ‘આંદોલન સમેટી લો નહીંતર….’
આરોગ્ય કર્મીઓની હડતાળને લઈને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આંદોલન કરનારાને હડતાળ સમેટી લેવા ચીમકી આપી છે. આ ચીમકીમાં તેમણે ઘણી બધી સૂફિયાણી વાતો કરી, પરંતુ બે વાત ઘણી મહત્ત્વની છે. આરોગ્ય કર્મીઓની વિવિધ માગ મુદ્દે ઋષિકેશ પટેલનું કહેવું છે કે, ‘આરોગ્ય કર્મીઓની બધી માગ વહીવટનો વિચાર કર્યા વગર સ્વીકારી ના લેવાય, ટેક્સનો પૈસો રાજ્યની તિજોરીમાં આવતો હોય ત્યારે લોકોની સુખાકારીમાં અને લોકોની સગવડો માટે એ પૈસો વપરાવવો જોઈએ.’ તેમનો બીજો મુદ્દો એ છે કે, ‘આરોગ્યકર્મીઓની હડતાળથી નાગરિકો મુશ્કેલીમાં મૂકાય છે’.
આ પણ વાંચો: ‘આંદોલન સમેટી લો, પ્રજાના પૈસા નાગરિકોની સુખાકારીમાં વપરાવા જોઈએ’, કરોડોના તાયફા કરતી સરકારની સૂફિયાણી સલાહ
હવે આરોગ્ય કર્મીનું હડતાળ પાડવું મુશ્કેલ
રાજ્ય સરકાર આરોગ્ય સેવાઓને પણ આવશ્યક સેવા જાહેર કરવાની પ્રાથમિક માહિતી મળી રહી છે, ત્યારે બિનજરુરી અને વારંવાર હડતાલ પર જઈને દર્દીઓની જિંદગી જોખમમાં મૂકતા આરોગ્ય કર્મીઓની મનમાની હવે નહીં ચાલે. ફિક્સ-પેના કર્મીઓ હડતાળ પર જાય ત્યારે તેમની સેવા સમાપ્તિ સુધીની વિચારણા ચાલી રહી છે. આ મામલે આવશ્યક સેવાઓ જાળવણી અધિનિયમ, 1981 (ESMA) હેઠળ હવે સરકાર નોટિફિકેશન કે ગેજેટ પ્રસિદ્ધ કરીને સત્તાવાર જાહેરાત કરી શકે છે. અગાઉ રાજ્યમાં પોલીસ, ઊર્જા જેવા મહત્ત્વના વિભાગોની સેવાઓ પણ અગાઉથી અતિઆવશ્યક સેવાઓમાં સમાવેશ કરવામાં આવ્યો છે.