તસવીર : IANS
SEBI Accuses Jane Street of ₹36,500 Cr Market Manipulation : ભારતમાં શેરબજારના મુખ્ય નિયમનકારી સંસ્થા ‘સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા’ (SEBI) એ ન્યૂયોર્ક આધારિત ફર્મ ‘જેન સ્ટ્રીટ કેપિટલ’ સામે ભારતના મૂડીબજારમાં ગેરકાયદે નફો કમાવાના અને માર્કેટમાં હેરાફેરી કરવાના ગંભીર આરોપો લગાવ્યા છે. સેબીના વચગાળાના આદેશ મુજબ, જેન સ્ટ્રીટે ભારતીય ડેરિવેટિવ માર્કેટ (ખાસ કરીને નિફ્ટી અને બેંક નિફ્ટી F&O સેગમેન્ટ)માં ભાવમાં હેરફેર કરીને રિટેલ રોકાણકારોને નુકસાન પહોંચાડ્યું છે અને પોતે ઘણો મોટો નફો મેળવ્યો છે.
શું છે સેબીના આરોપ?
સેબીના જણાવ્યા પ્રમાણે જેન સ્ટ્રીટે 17 જાન્યુઆરીના રોજ અલ્ગોરિધમિક ટ્રેડિંગ દ્વારા નિફ્ટી અને બેંક નિફ્ટી ઇન્ડેક્સના ભાવ ઉપર હસ્તક્ષેપ કર્યો હતો અને માત્ર એક દિવસમાં રૂપિયા 735 કરોડ જેટલો ગેરકાયદે નફો કમાઈ લીધો હતો. આ પ્રવૃત્તિ માત્ર એકાદ દિવસ પૂરતી સીમિત રહી નહોતી. 2023 થી 2025 દરમિયાન કંપનીએ કુલ રૂપિયા 36,500 કરોડનો નફો કાઢ્યો હોવાનું SEBI ના તપાસમાં સામે આવ્યું છે. જેન સ્ટ્રીટ અને એક હરીફ કંપની વચ્ચે અમેરિકામાં કાનૂની વિવાદ થયો હતો, જેનો ઝડપથી ઉકેલ પણ આવી ગયો હતો. એ વિવાદ પછી મૂડી બજારોના નિરીક્ષકોએ જેન સ્ટ્રીટના કામકાજ પર ચાંપતી નજર રાખવાનું શરૂ કર્યું હતું. જેન સ્ટ્રીટે એવા બે કર્મચારીઓને નોકરીએ રાખ્યા છે જેઓ ગુપ્ત અલ્ગોરિધમ બનાવવામાં ભૂમિકા ભજવી શકે.
હેરાફેરી કઈ રીતે થઈ હતી?
સેબીએ જણાવ્યું હતું કે, જેન સ્ટ્રીટે ભારતીય માર્કેટમાં ગેરકાયદે રીતે કામ કરવા માટે નીચે મુજબની વ્યૂહરચના અપનાવી હતી.
1. વિદેશી પોર્ટફોલિયો રોકાણકાર (FPI) નિયમનો દુરુપયોગ કર્યો
ભારતમાં વિદેશી રોકાણકારો ઇન્ટ્રાડે ટ્રેડિંગ કરી શકતા નથી. જેન સ્ટ્રીટે ઘણી ભારતીય પેટા કંપનીઓ રચીને તેમના મારફતે આ નિયમનું ઉલ્લંઘન કર્યું હતું.
2. માર્કેટમાં મેનિપ્યુલેશન કર્યું
કંપનીના અલ્ગોરિધમ બે તબક્કામાં કામ કરતા હતા:
– પ્રારંભિક ટ્રેડિંગ દરમિયાન: દિવસની શરૂઆતમાં બેંકિંગ શેરો મોટા પાયે ખરીદીને ઇન્ડેક્સના ભાવ ‘પમ્પ’ (ઊંચા) કરી દેવાતા.
– એક્સપાયરી ડે પર: પોતાનાં હોલ્ડિંગ્સ ‘ડમ્પ’ કરીને કિંમતો નીચે લાવી દેવાતી.
આથી રિટેલ રોકાણકારોએ પુટ-કોલ ઓપ્શનમાં ભારે નુકસાન ઉઠાવવું પડતું અને જેન સ્ટ્રીટ ‘પમ્પિંગ અને ડમ્પિંગ’ દ્વારા મોટો નફો મેળવી લેતી હતી.
F&O માર્કેટ શું છે?
ડેરિવેટિવ્ઝ માર્કેટ મુખ્યત્વે ફ્યુચર્સ અને ઓપ્શન્સ (F&O) ટ્રેડિંગનો સમાવેશ કરે છે. તેમાં ફ્યુચર્સ અને ઓપ્શન્સ જેવા કરાર થાય છે.
ફ્યુચર્સ
ફ્યુચર્સ એ કરાર છે જે ધારકને ભવિષ્યમાં કોઈ સમયે સંમત ભાવે ચોક્કસ સંપત્તિ ખરીદવા અથવા વેચવા માટે કાયદેસર રીતે બંધનકર્તા બનાવે છે, પછી ભલે તે ભાવ ગમે તે હોય. તેથી જ્યારે કિંમત વધી હોય ત્યારે ખરીદદારને ફાયદો થાય છે અને કિંમત ઘટી જાય ત્યારે વેચાણકર્તાને ફાયદો થાય છે.
ઓપ્શન્સ
ઓપ્શન્સ એવો કરાર છે જે ખરીદદારને ભવિષ્યમાં કોઈ સમયે તૈયાર સંપત્તિ ખરીદવાનો અધિકાર/વિકલ્પ આપે છે.
ઓપ્શનના બે પ્રકાર:
– કોલ ઓપ્શન: ખરીદીનો અધિકાર.
– પુટ ઓપ્શન: વેચવાનો અધિકાર.
ઓપ્શન્સમાં ખરીદનારે ફરજિયાતપણે ખરીદી કે વેચાણ કરવાનું હોતું નથી, પણ પ્રીમિયમ ચૂકવવું પડે છે.
જેન સ્ટ્રીટે કેવાં પગલાં લીધાં?
જેન સ્ટ્રીટે હેરાફેરીના આરોપ નકારી કાઢ્યાં છે. આમ છતાં તેણે સેબીના 3 જુલાઈના વચગાળાના આદેશ અનુસાર રૂ. 4,800 કરોડની રકમ એસ્ક્રો ખાતામાં જમા કરાવી છે. જેથી જો ભવિષ્યમાં તેમના વિરુદ્ધના આરોપો પુરવાર થાય તો આ રકમમાંથી રોકાણકારોના નુકસાનીની ભરપાઈ થઈ શકે.
જેન સ્ટ્રીટે તેના કર્મચારીઓને મોકલેલા એક ઈમેઈલમાં જણાવ્યું હતું કે, તેઓ સેબીની ‘અન્યાયી અને વધુ પડતી કાર્યવાહી’થી દુઃખી છે અને તેમના પર લગાવાયેલા પ્રતિબંધો સામે કાયદેસર પગલાં લેશે. જેન સ્ટ્રીટે સેબી પાસે ભારતના બજારમાં ફરીથી ટ્રેડિંગ કરવાની મંજૂરી મેળવવા અરજી કરી છે. સેબીએ સ્પષ્ટતા કરી છે કે જેન સ્ટ્રીટની અરજી પર વિચારણા ચાલુ છે.
રિટેલ રોકાણકારો માટે ચેતવણી
સેબીના જણાવ્યા મુજબ ભારતમાં 90% રિટેલ રોકાણકારો F&O માં નુકસાન કરે છે. F&O જોખમી છે અને અનુભવ વગર તેમાં પ્રવેશવું જોખમકારક છે. જેન સ્ટ્રીટનો કેસ એ વાતનો પુરાવા છે કે મોટી કંપનીઓ પોતાના હિત માટે બજારના નિયમોને તોડી શકે છે અને સામાન્ય રોકાણકારો નુકસાન ભોગવે છે. તેથી રોકાણકારોએ જાણકારી વિના ડેરિવેટિવ્સમાં પ્રવેશ કરવો જોઈએ નહીં.