All Party Meeting Monsoon Session 2025: સંસદમાં ચોમાસુ સત્ર 21 જુલાઈથી શરૂ થવા જઈ રહ્યું છે, એવામાં તેને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે 20 જુલાઈએ સવારે 11 વાગ્યે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. આ બેઠકમાં તમામ પક્ષોના લોકસભા અને રાજ્યસભાના નેતાઓ હાજર રહેશે તેમજ આ બેઠકમાં ચોમાસુ સત્રમાં આવતા બિલો અને મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવશે.
બિહારમાં SIR પ્રક્રિયાને લઈને થઈ શકે છે હોબાળો
સંસદનું ચોમાસુ સત્ર એવા સમયે શરૂ થઈ રહ્યું છે જ્યારે બિહારમાં SIR પ્રક્રિયાને લઈને રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ સહિત વિપક્ષો ચૂંટણી પંચ અને સરકાર પર સતત પ્રહારો કરી રહ્યા છે. વિપક્ષોનું કહેવું છે કે ચૂંટણી પંચે આ પ્રક્રિયા મનસ્વી રીતે શરૂ કરી છે. આ પ્રક્રિયાનો સમગ્ર પ્રયાસ શાસક પક્ષને ફાયદો પહોંચાડવાનો છે. RJD સહિત ઘણા વિપક્ષોનો આરોપ છે કે મતદાર ચકાસણી માટે માંગવામાં આવતા દસ્તાવેજો પહેલાથી જ લોકો પાસે છે. આધાર ઉપરાંત તેમણે મનરેગા જોબ કાર્ડ સહિત કેટલાક અન્ય ઓળખ કાર્ડ પણ સામેલ કરવાની માંગ કરી છે.
ઓપરેશન સિંદૂર પર પણ હોબાળો થવાની ધારણા
ચોમાસુ સત્ર દરમિયાન કોંગ્રેસ અને કેટલાક અન્ય વિપક્ષો ઓપરેશન સિંદૂર અને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના યુદ્ધવિરામમાં મધ્યસ્થી કરવાના દાવા જેવા મુદ્દાઓ પર સરકાર પાસેથી જવાબો માંગવાની તૈયારી કરી રહ્યા છે. આ વખતે સરકાર આવકવેરા બિલ 2025 પણ રજૂ કરી શકે છે. આ બિલ ફેબ્રુઆરીમાં લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું અને તેને નીચલા ગૃહની પસંદગી સમિતિને મોકલવામાં આવ્યું હતું.
ચોમાસુ સત્રમાં કેન્દ્ર સરકાર લોકસભામાં આ બિલ રજૂ કરે અને પસાર કરે તેવી અપેક્ષા છે
– મણિપુર GST (સુધારા) બિલ, 2025
– જાહેર ટ્રસ્ટ (જોગવાઈઓમાં સુધારો) બિલ, 2025
– ભારતીય વ્યવસ્થાપન સંસ્થા (સુધારા) બિલ, 2025
– કરવેરા કાયદા (સુધારા) બિલ, 2025
– ભૌગોલિક વારસા સ્થળો અને ભૂ-અવશેષો (સંરક્ષણ અને જાળવણી) બિલ, 2025
– ખાણ (વિકાસ અને નિયમન) સુધારા બિલ, 2025
– રાષ્ટ્રીય રમતગમત વહીવટ બિલ, 2025
– રાષ્ટ્રીય ડોપિંગ વિરોધી (સુધારા) બિલ, 2025
આ પણ વાંચો: અમેરિકા-NATOની ધમકી છતાં રશિયાથી ઓઇલ ખરીદે છે ભારત? આ 3 કારણ જવાબદાર
આટલા બિલ લોકસભામાં પસાર થવાની અપેક્ષા છે
– ગોવા રાજ્યના વિધાનસભા મતવિસ્તારોમાં અનુસૂચિત જનજાતિના પ્રતિનિધિત્વનું પુનર્ગઠન બિલ, 2024
– વેપારી શિપિંગ બિલ, 2024
– ભારતીય બંદરો બિલ, 2025
– આવક વેરા બિલ, 2025
સંસદનું ચોમાસુ સત્ર: 21 જુલાઈથી શરુ થશે
કેન્દ્રીય સંસદીય મંત્રી કિરેન રિજિજુએ જણાવ્યું હતું કે સંસદનું ચોમાસુ સત્ર 21 જુલાઈ, 2025ના રોજ શરુ થશે અને 12 ઑગસ્ટના રોજ સમાપ્ત થશે. જોકે, અગાઉ 12 ઑગસ્ટે સત્ર પૂરું થવાનું હતું, પરંતુ હવે તેને એક અઠવાડિયા માટે લંબાવવામાં આવ્યું છે.