જૂનાગઢમાં ગ્રાહકોને પહોચાડવાનાં બદલે ફોન પોતે રાખી લીધા : ફોન ગુમ હોવાથી CCTV ચેક કરવાથી 2 કર્મચારીઓની સંડોવણી ખૂલતાં ગુનો દાખલ
જૂનાગઢ, : જૂનાગઢમાં ઓનલાઈન ડિલીવરી કરતી કંપનીના કર્મચારીઓએ ફોન ગ્રાહકોને પહોંચાડવાના બદલે ચોરી કરી લીધા હતા. આ અંગેની તપાસ બાદ બે કર્મચારીઓએ 4 લાખથી વધુની કિંમતના 13 મોબાઈલ ફોન ચોરી કર્યાનું સામે આવતા બંને સામે સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે. શહેરના મોતીબાગ નજીક આવેલા કોમ્પ્લેક્ષમાં ઈ-કાર્ટ ઓફિસ ઈન્સ્ટા કાર્ટ વેરહાઉસની બ્રાન્ચ આવેલી છે. ગત માર્ચ માસમાં ગ્રાહકોને ડિલીવરી કરવાના ૧૩ મોબાઈલ ફોન ઓફિસમાંથી ગુમ થયા હતા. આ મોબાઈલ ફોન અનટ્રેસેબલ ડેટામાં હોવાથી મેનેજરે સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા, જેમાં ઓફિસમાં શોર્ટર તરીકેની કામગીરી કરતો રોહિત હેમંત રાઠોડ શોર્ટીંગ કરતી વખતે ફોન ચોરી કરતા જોવા મળ્યો હતો.
તેની પૂછપરછ કરતા તેણે ત્યારે ત્રણ અને અગાઉ બે મોબાઈલ ચોરી કર્યાનું જણાવ્યું હતું. તેણે આ પાંચેય ફોન પરત આપી દીધા હતા. બાકીના આઠ ફોન વિશે કોઈ માહિતી આપી ન હતી. ત્યારબાદ પોલીસને અરજી આપી હતી. પોલીસે પાંચ ફોન અલગ-અલગ વ્યક્તિ પાસેથી મેળવ્યા હતા. આ ફોન ઓફિસમાં કામ કરતા આહેદ ગફાર સોબર પાસેથી મેળવ્યા હોવાનું ખુલ્યું હતું. જ્યારે ત્રણ ફોન હજુ સુધી મળ્યા ન હતા. કંપનીના અધિકારીઓએ ચર્ચા બાદ ફરિયાદ કરવા નક્કી કર્યું હતું. ગઈકાલે કંપનીના એન્ફોર્સમેન્ટ ઓફિસર મહેશ મોહનલાલ રાઠોડે રોહિત હેમંત રાઠોડ અને આહેદ ગફાર સોબર સામે ફરિયાદ કરતા સી ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.