BSEની સ્થાપના વખતનું સંભારણું અત્યારની પેઢીને જાણવા મળે તે માટે પોરબંદરનાં મહિલાએ એન્ટિક જેવી સ્ટેમ્પ સીટ સાચવી રાખી છે
પોરબંદર, : 50 પૈસાની શેર ટ્રાન્સફર સ્ટેમ્પ્સનું મુલ્ય આજે લાખો રૂપિયામાં અંકાતું હોય એ વાત જ અચરજ પમાડે એવી લાગે પરંતુ આવું એટલા માટે હોઈ શકે કેમ કે એ સ્ટેમ્પ આજકાલની નહીં, બલ્કે વર્ષો જૂની અને રેરલી અવેલેબલ છે. વાત છે બોમ્બે સ્ટોક એકસચેન્જની સ્થાપના પછી ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ શેર ટ્રાન્સફર સ્ટેમ્પની. આજથી લગભગ સાડા સાત દાયકા પૂર્વે શેરની લે-વેચ ધમધમી એ દરમિયાન બુક બંધ એટલે કે કંપનીનાં પરિણામ આવતા હોય ત્યારે શેર વ્યક્તિના નામ પર કરવા માટે જરૂરી ટ્રાન્સફર ફોર્મ ભરી શેરની કિંમતના અડધા ટકા લેખે શેરની પાછળ શેર ટ્રાન્સફર સ્ટેમ્પ ચોંટાડીને કંપનીમાં મોકલવાથી વ્યક્તિના નામે શેર ટ્રાન્સફર થતા હતા. હવે તો જો કે એ પ્રથા જ જરૂરી રહી નથી પરંતુ જે- તે સમયે સરકાર દ્વારા 50 પૈસા, 1 રૂપિયો, 2 રૂપિયા, પાંચ, 10 અને 20 તેમજ મોટામાં મોટી 100 રૂપિયાની શેર ટ્રાન્સફર સ્ટેમ્પ છાપવામાં આવતી અને કોર્ટમાં બોન્ડ રાઈટર પાસેથી મળતી. ટ્રેઝરી ઓફિસમાંથી ચલણ એસ.બી.આઈ.માં ભરી પહોંચ આપવાથી ટ્રેઝરી ઓફિસમાંથી પણ સ્ટેમ્પ મળતી. પોરબંદરમાં ક્રિષ્નાબેન ઠાકરે 50 પૈસાની સ્ટેમ્પનું એક સીટ સાચવી રાખ્યું છે. એ સ્ટેમ્પની કિંમત લાખોમાં હોવાનું કહેવાય છે અને દુર્લભ ગણાવાય છે. અત્યારની પેઢીને જાણવા મળે તે માટે તેમણે આ સ્ટેમ્પ બતાવી હતી. એ જ રીતે જીતુભાઈ ઠકરાર પાસે પણ 50 પૈસાની સ્ટેમ્પ સીટ સાચવેલી પડી છે.