પોલીસથી ગુનેગારો બે ડગલાં આગળ રૂા. 10 કરોડના સાયબર ફ્રોડના આરોપી દ્વારા વર્ચ્યુઅલ નંબરનો ઉપયોગ કરાતો હોવાનું ખુલ્યું
રાજકોટ, : વારંવાર ગુનો કરવાની ટેવ ધરાવતા, ગુનો કર્યા બાદ પોલીસથી બચવા લાંબા સમય સુધી ફરાર રહેનારા ગુનેગારોને પકડવાનું કામ હવે પોલીસ માટે મુશ્કેલ બન્યું છે. તેનું કારણ છે વર્ચ્યુઅલ મોબાઈલ નંબર. અગાઉ વોન્ટેડ ગુનેગારોને પોલીસ મોબાઈલ ફોનનાં આધારે ટ્રેસ કરી ઝડપી લેતી હતી. હંમેશા પોલીસથી બે કદમ આગળ રહેતાં ગુનેગારોએ હવે તેનો પણ ‘તોડ’ કાઢી વર્ચ્યુઅલ નંબરનો ઉપયોગ શરૂ કર્યો છે. જેને કારણે હવે પોલીસ માટે વોન્ટેડ ગુનેગારને મોબાઈલ નંબરનાં આધારે ટ્રેસ કરવાનું મુશ્કેલ બની ગયું છે. એટલું જ નહીં ફરાર રહ્યાનાં સમય દરમિયાન પણ હવે ગુનેગારો વર્ચ્યુઅલ નંબરનાં આધારે બેરોકટોક પોતાનું સામ્રાજય ચલાવવા સક્ષમ બન્યા છે, અગર તો ચલાવી રહ્યાં છે. જાણકારોનાં કહેવા પ્રમાણે, હવે વિદેશની એવી ઘણી એપ, સાઈટ છે જે નિશ્ચિત રકમ લઈ વર્ચ્યુઅલ નંબર પૂરા પાડે છે. જેમાં સીમ કાર્ડની જરૂર હોતી નથી. પ્લસ નંબરનાં વર્ચ્યુઅલ નંબરનાં આધારે ગુનેગાર વોટસએપ કોલની સાથે જ વોઈસ કોલ પણ કરી શકે છે. જેને ટ્રેસ કરવા પોલીસ માટે મુશ્કેલ બને છે. વર્ચ્યુઅલ નંબરનો ઉપયોગ કરનાર વોન્ટેડ ગુનેગારો પકડાય પછી ફરાર રહ્યાનાં સમય દરમિયાન કોની સાથે સંપર્કમાં રહ્યા તે સહીતની વિગતો મેળવવી પણ પોલીસ માટે મુશ્કેલ બને છે. કારણ કે મોટાભાગે વર્ચ્યુઅલ નંબરની કોલ ડિટેઈલ મળતી નથી. માત્ર તેના વપરાશકર્તાની જ માહિતી મળે છે.
રાજકોટ ક્રાઈમ બ્રાંચનાં એક અધિકારીએ કહ્યું કે વર્ચ્યુઅલ નંબરનો ઉપયોગ કરવો ગેરકાનૂની ન હોવાથી પોલીસ આવા કિસ્સામાં કોઈ કાર્યવાહી કરી શકતી નથી. તાજેતરમાં જ રાજકોટ રૂરલ પોલીસે ચારેક મહિના સુધી વોન્ટેડ રહેલા નામચીન બૂટલેગર ધવલ સાવલીયાને ઝડપી લીધો હતો તે આટલો લાંબો સમય એટલે પોલીસથી બચી શક્યો હતો, કારણકે, તે વર્ચ્યુઅલ નંબરનો ઉપયોગ કરતો હતો. ત્રણેક દિવસ પહેલા રાજકોટની સાયબર ક્રાઈમ પોલીસે રૂા. 10 કરોડનાં સાયબર ફ્રોડ અંગે ગુનો દાખલ કર્યો હતો. જેનાં મુખ્ય સુત્રધાર તરીકે મુંબઈનાં આશિષનું નામ ખુલ્યું હતું. તેનાં વિશે સાયબર ક્રાઈમ પોલીસે તપાસ કરતાં તે પણ વર્ચ્યુઅલ નંબરનો ઉપયોગ કરતો હોવાનું જાણવા મળ્યું હતું. આ સ્થિતીમાં સાયબર ક્રાઈમ પોલીસને તેનાં વિશે કોઈ વધુ માહિતી મળી નથી.