કોર્પોરેશન હસ્તકના 31 સ્મશાનનોનું સંચાલન અને નિભાવણીનું કામ ચાર ખાનગી સંસ્થાઓને સોંપવામાં આવતા વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે, આજે મળેલી સામાન્ય સભામાં પણ સ્મશાનો બાબતે વિપક્ષ અને સત્તાપક્ષ વચ્ચે તડાફડી થઇ હતી. સભામાં કોર્પોરેશનને પ્રોમીસીગ કેટેગરીમાં મળેલા એવોર્ડની કોઇ નોંધ ન લેવાતાં જૂથબંધી સ્પષ્ટ થઈ હતી.
સભામાં વિપક્ષી નેતાએજણાવ્યું હતું કે, સ્મશાનો ખાનગી સંસ્થાઓને સોંપવાના બદલે જે સ્વૈચ્છિક સંસ્થાઓ કામ કરતી હતી. તે સંસ્થાઓ ને જ ચાલુ રાખવા અને જે પ્રશ્નોની ફરિયાદોનું નિરાકરણ લાવવા રજૂઆત કરી હતી. આ રજૂઆતને ભાજપા કાઉન્સિલરએ સમર્થન આપતા કહ્યું કે, સ્મશાનોના વિવાદને કારણે કોર્પોરેશનમાં પોલીસ કાફલો ઉતારવો પડે તે યોગ્ય નથી. આથી સ્મશાનો અંગે પુનઃ વિચારણા થવી જોઇએ. ભાજપા અન્ય એક કાઉન્સિલરએ પણ જણાવ્યું કે, બીલ, કલાલી જેવા ગામો કોર્પોરેશનમા સમાવેશ કરાયા છે. ગામ લોકોને સ્મશાનની જમીન કોર્પોરેશન લઇ લેશે તેવો ડર સતાવી રહ્યો છે. આથી સ્મશાનો અંગે પુનઃ વિચારણા કરવી જોઈએ. વિપક્ષ અને સત્તા પક્ષના કેટલાક કાઉન્સિલરોની સ્મશાનો અંગે પુનઃ વિચારણા કરવાની માંગ વચ્ચે સ્થાયી સમિતિના અધ્યક્ષએ નગરજનોને સારી સુવિધાઓ મળશે તેવો વિશ્વાસ અપાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આજની સભામાં એવોર્ડ લઇને પરત ફરેલા સ્થાયી સમિતિના ચેરમેન ડો. શીતલ મિસ્ત્રી હાજર રહ્યા હતાં. પરંતુ, સત્તાપક્ષ ભાજપાના એક પણ કાઉન્સિલરે વડોદરાને પ્રોમિસીગ કેટેગરીમાં મળેલા એવોર્ડની નોંધ શુધ્ધા લીધી ન હતી અને સત્તાપક્ષના વહિવટનું ગૌરવ પણ લીધું ન હતું.