વડોદરા રેલ્વે વિભાગ સ્વચ્છતાને લઈને વધુ આકરુ બની રેલવે સ્ટેશન અને ટ્રેનમાં ગંદકી ફેલાવનારાઓ સામે આકરી કાર્યવાહી કરી રહ્યું છે. પાછલા 6 દિવસમાં રેલવે સ્ટેશન પરિસરમાં ગંદકી ફેલાવનાર 117 મુસાફરોને ઝડપી તેમની પાસેથી દંડ વસુલવામાં આવ્યો છે.
વડોદરા રેલવે સ્ટેશન પર સ્વચ્છતાના નિયમોના ઉલ્લંઘન સામે કડક કાર્યવાહીના ભાગરૂપે પાછલા છ દિવસોમાં ગંદકી અંગેના 134 કિસ્સાઓમાં 117 મુસાફરોને દંડ ફટકારવામાં આવ્યો છે. રેલ્વે સ્ટેશન પરિસરમાં ગંદકી કરવા બદલ મહત્તમ રૂ .500 સુધીનો દંડ ફટકારી શકાય છે. સ્ટેશનના પરિસર, પ્લેટફોર્મ, ફૂટ ઓવરબ્રિજ અને ટ્રેનની અંદર થૂંકવાથી અને કચરો ફેંકવાથી ગંદકી સાથે મુસાફરો પણ ભારે હાલાકી ભોગવતા હોય છે. જેથી રેલ્વે વિભાગ આવા બેદરકારો સામે સમયાંતરે કાર્યવાહી કરતી રહે છે.