– ગરીબો માટે આશિર્વાદરૂપ ગણાતી
– એક મેડિકલ ઓફિસર અને 6 કર્મચારીથી ચાલતી હોસ્પિટલમાં પીવાના પાણી, શૌચાલય કે યુરિનલની સગવડ જ નથી
ધોળકા : ધોળકા નગરપાલિકા સંચાલિત જી.કે. મ્યુનિસિપલ દવાખાનાંનો વહીવટ કથળી રહ્યો છે. ૫૦થી વધુ વર્ષ જૂના આ મ્યુનિસિપલ દવાખાનાની ધોળકા નગરપાલિકા દ્વારા યોગ્ય દેખભાળ રાખવામાં આવતી ન હોવાથી જર્જરિત થઈ જતા દર્દીઓને હાલાકી પડી રહી છે. પ્રજાએ ચૂંટેલા પ્રતિનિધિઓ પ્રજાલક્ષી અભિગમ અપનાવી હોસ્પિટલનું નવીનીકરણ હાથ ધરે તેવી માંગ ઉઠવા પામી છે.
ધોળકાના પંચશીલ ચાર રસ્તા વાળા માર્ગ ઉપર વર્ષો જુનું ધોળકા નગરપાલિકા સંચાલિત જી.કે.મ્યુ.હોસ્પિટલ આવેલી છે. દાદાના દવાખાના તરીકે જાણીતું આ દવખાનાનું એક જમાનામાં ગરીબો માટે આશિર્વાદરુપ ગણાતું. દવાખાનામાં ધોળકા શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાંથી દર્દીઓ આવતા હતા. આ દવાખાનું મેટરનીટી હોમ સહિતની વિવિધ સ્વાસ્થ્યલક્ષી સેવામાંથી નામના મેળવી ચૂક્યુ હતુ. પરંતુ આજે તેની હાલત ખંઢેર જેવી બની ચૂકી છે. દવાખાનાના ઓરડાઓમાં ધાબામાંથી વરસાદી પાણી પડે છે. આખું બિલ્ડિંગ જર્જરિત અવસ્થામાં છે.ગમે ત્યારે ગમે તે ભાગમાંથી પડે તો મોટી દુર્ઘટના થવાની સંભાવના દેખાઈ રહી છે.
હાલ આ દવાખાનામાં મેડિકલ ઓફિસર સહિત છથી સાત કર્મચારીઓ છે. જેમાં માત્ર એક જ કર્મચારી કાયમી છે. એક પણ મહિલા કર્મચારી હાલ નથી. દવાખાનામાં પીવાના પાણીની સુવિધા નથી. શૌચાલય કે યુરિનલની સગવડ નથી. દવાખાનાના સ્ટાફ કે દર્દીઓ માટે એકપણ શૌચાલય કે યુરિનલ નથી. હાલ આ દવાખાનામાં રોજના પચાસથી વધારે દર્દીઓ પ્રાથમિક સારવાર માટે આવે છે.
આ દવાખાનાની બિલ્ડિંગની પાછળ આવેલા ખુલ્લા મેદાનમાં લુખ્ખા તત્વો અનૈતિક પ્રવૃત્તિઓ કરતા સ્થાનિક રહીશો ત્રાહીમામ પોકારી ગયા છે. આ ખુલ્લા મેદાનમાં કચરાનાં ઢગલાં ખડકાયા છે. જેની સફાઈ કરવામાં આવતી નથી.
સતાધિશો પ્રજાલક્ષી અભિગમ અપનાવી આ દવાખાનાને અદ્યતન સુવિધાવાળુ સ્વાસ્થ્યલક્ષી અનેક સેવાઓ મળતી રહે તેવું બનાવવા જરૂરી કાર્યવાહી હાથ ધરે તેમજ ધોળકા નગરપાલિકામાં નવા આવેલા મહિલા ચિફ ઓફિસર પ્રાર્થનાબહેન રાઠોડ આ દવાખાનાની મુલાકાત લઈ અદ્યતન સગવડવાળું નવુ દવાખાનુ બનાવવા અંગેની કામગીરી સત્વરે હાથ ધરાવે તેવી લોકોની માંગણી છે.