– સર ટી.હોસ્પિટલમાં મે માસની સરખામણીએ જુનમાં મચ્છરજન્ય બિમારીના કેસો ઘટયા
– 17 જૂલાઇની સ્થિતિએ હોસ્પિટલમાં ડેન્ગ્યુના 3 કેસ નોંધાયા
ભાવનગર : ચોમાસાની ઋતુમાં ભાવનગરની સૌથી મોટી સર ટી.હોસ્પિટલમાં મચ્છરજન્ય બિમારીઓના દર્દીઓની વધવાની સંભાવના વચ્ચે દર્દીઓની સંખ્યા ઘટી છે. છેલ્લા ૬ માસમાં ડેન્ગ્યુના ૫૧, ચિકનગુનિયાના ૯ અને મેલેરિયાના ૫ કેસ નોંધાયા છે. તેમજ મે માસની સરખામણીએ જુન માસમાં દર્દીઓની સંખ્યા ઘટી છે. જોકે હજુ ચોમાસાના આગામી દિવસોમાં મચ્છરજન્ય બિમારીઓ વધે તેવી પુરી સંભાવના છે.
ચોમાસાના પ્રારંભ બાદ ભાવનગરમાં પાણીજન્ય બિમારીઓમાં ઉછાળો નોંધાયા બાદ મચ્છરોના ઉપદ્રવ થવાથી મચ્છરજન્ય બિમારીઓ વધવાની સંભાવના વર્તાઈ રહી હતી. પરંતુ ભાવનગરની સૌથી મોટી સર ટી. હોસ્પિટલમાં છેલ્લા ૬ માસમાં નોંધાયેલા મચ્છરજન્ય બિમારીઓના કેસોના આંકડા ઘટયા છે. જાન્યુઆરી ૨૦૨૫થી જુન-૨૦૨૫ના ૬ માસના સમયગાળામાં સર ટી.હોસ્પિટલમાં મેલેરિયાના ૫, ચિકનગુનિયાના ૯ અને ડેન્ગ્યુના ૫૧ કેસો મળી મચ્છરજન્ય બિમારીના કુલ ૬૫ કેસો નોંધાયા છે. જેમાં ગત મે માસમાં સૌથી વધારે ૧૪ કેસો નોંધાયા હતા જે જુન મહિનામાં ઘટીને માત્ર ૪ કેસ નોંધાયા હતા. મેલેરિયા, ચિકનગુનિયા અને ડેન્ગ્યુમાંથી સૌથી વધારે પ્રમાણે ડેન્ગ્યુના દર્દીઓનું જોવા મળ્યું છે. વર્ષના પ્રારંભમાં સર ટી.હોસ્પિટલમાં જાન્યુઆરીમાં ડેન્ગ્યુના ૧૦ કેસ નોંધાયા હતા. આમ, ચોમાસાના પ્રારંભમાં મચ્છરજન્ય બિમારીના કેસો ઘટયા છે પરંતુ હજુ ચોમાસાના આગામી દિવસોમાં મચ્છરોના ઉપદ્રવ બાદ મચ્છરજન્ય બિમારીઓ વધે તેવી શક્યતા સેવાઈ રહી છે. બીજી તરફ આગામી દિવસોમાં હજુ મચ્છરજન્ય અને પાણીજન્ય બિમારીઓના કેસો વધશે તેવી શક્યતા હોસ્પિટલ તંત્ર દ્વારા પણ સેવાઈ રહી છે. ઉપરાંત ૧૭ જુલાઈ સુધીના આંકડાઓ પ્રમાણે સર ટી. હોસ્પિટલમાં મેલેરિયા અને ચિકનગુનિયાના એક પણ કેસ નોંધાયા નથી, જ્યારે ડેન્ગ્યુના ૩ કેસ નોંધાયા છે.